આ તારીખથી સરકાર કરશે મગફળી, મગ, અડદ, સોયાબીનની ટેકાના ભાવે ખરીદી, જાણો વિગતવાર

Agriculture News: રાજ્યમાં ચાલુ વર્ષે મગફળીના સહિતના પાકનું બમ્પર ઉત્પાદન થતા 11મી નવેમ્બરથી વિવિધ પાકની ટેકાના ભાવે 90 દિવસ સુધી ખરીદી કરવાનો સરકારે નિર્ણય (Agriculture News) લીધો છે. આ માટે ખેડૂતો 3થી 31 ઑક્ટોબર સુધી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પરથી ઓનલાઇન નોંધણી કરાવી શકાશે.

90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે
ગાંધીનગર ખાતે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન માટે યોજાયેલી બેઠક વિશે માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પી.એસ.એસ. હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની ટેકાના ભાવે લાભ પાંચમ પછી તા. 11મી નવેમ્બરથી ખરીદી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. 160થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

વાવેતર થાય તે પહેલા જ ટેકાના ભાવ જાહેર કર્યા
ટેકાના ભાવે ખરીફ પાકોનું વેચાણ કરવા માટે ખેડૂતોને અપીલ કરતા કૃષિ મંત્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતો 3 ઓક્ટોબરથી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી વીસીઇ મારફત ઓનલાઇન નોંધણી કરાવી શકશે. ભારત સરકારે ચાલુ વર્ષ 2024-25 માટે ખરીફ પાકોનું વાવેતર થાય તે પહેલા જ ટેકાના ભાવ જાહેર કર્યા હતા.

તે મુજબ મગફળી 6783 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ (1356.60 રૂપિયા પ્રતિ મણ), મગ 8682 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ (1736.40 રૂપિયા પ્રતિ મણ), અડદ રૂ. 7400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ (1480 રૂપિયા પ્રતિ મણ) તેમજ સોયાબીન 4892 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ (978.40 પ્રતિ મણ)ના ભાવે ખરીદાશે.

આ ખરીદી 90 દિવસ સુધી ચાલશે
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મગફળી, અડદ અને સોયાબીનના પાકોનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે અને હવે આ પાકોની ટેકાના ભાવે સરકાર ખરીદી કરશે અને તેના માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પણ 3 ઓક્ટોબરથી શરૂૂ થશે અને લાભ પાંચમના પછીના દિવસેથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી મગફળી સહિત અડદ અને સોયાબીનની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવશે. આ ખરીદી 90 દિવસ સુધી ચાલશે અને ટેકાના ભાવે પાકનું વેચાણ કરવા માટે ખેડૂતોએ નાફેડના સમૃદ્ધિ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને ત્યારબાદ 150થી વધુ કેન્દ્રો પર નાફેડના માધ્યમથી ખરીદીની પ્રક્રિયા થશે.