ખેલૈયાઓ મન મૂકીને નાચોઃ આ જિલ્લાઓ સિવાય સમગ્ર ગુજરાતમાં મેઘરાજા નહીં કરે હેરાન, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forcast: આજથી નવરાત્રી પર્વનો પ્રારંભ થઇ રહ્યો છે. દરેક ગરબા આયોજકો અને ખેલૈયાઓને મનમાં એક મૂઝવણ હતી કે આ વખતે નવરાત્રીમાં મેઘો વરસીને નવલા નોરતાની મજા બગાડશે કે શું. પરતુ ઢોલીડાના તાલે થનગનવા ખેલૈયાઓ તૈયાર થઇ જાઓ કારણ કે, છેલ્લા બે દિવસથી ગુજરાતમાં નહીંવત વરસાદ વરસ્યો છે અને આગામી સાત દિવસ પણ ભારે વરસાદના (Gujarat Rain Forcast) કોઇ એંધાણ દેખાતા નથી. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ 9 ઓક્ટોબર સુધી માત્ર દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા હળવા વરસાદી ઝાપટાં વરસી શકે છે.

ગરબા આયોજકો અને ખેલૈયાઓ મુંઝવણમાં
ગુજરાત માટે નવરાત્રી પર્વમા એક અનોખો જ માહોલ હોય છે. રાજ્યભરમાં સોસાયટીઓથી લઇને પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે. અર્વાચીન અને પ્રાચીન ગરબામાં મન મૂકીને ખેલૈયાઓ ગરબે ઘુમતા હોય છે. પરંતુ છેલ્લા બે મહિનામાં જે પ્રકારે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો અને વડોદરા સહિત અનેક સ્થળે પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. નવરાત્રી માટેના ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયા હતા. જેના પગલે ગરબા આયોજકો અને ખેલૈયાઓ મુંઝવણમાં મુકાયા હતા.

9 ઓક્ટોબર સુધી રાજ્યમાં ક્યાંય ભારે વરસાદ થવાની શક્યતા નથી
જે પ્રકારની આગાહી કરવામાં આવી રહી હતી તેને જોઇને પણ એવું લાગી રહ્યું હતું કે આ વખતે નવરાત્રીમાં પણ મેઘો મન મૂકીને વરસી શકે છે.

જોકે ગઇકાલે હવામાન વિભાગે જે પ્રકારની આગાહી કરી હતી અને આજે પણ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરાઇ છે તેનાથી ગરબા આયોજકો અને ખેલૈયાઓને મન ઝુમી ઉઠ્યા છે. કારણ કે આગામી 9 ઓક્ટોબર સુધી રાજ્યમાં ક્યાંય ભારે વરસાદ થવાની શક્યતા નથી. તેમજ માત્ર દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ એ પણ છૂટો છવાયો પડી શકે છે.

3થી 9 ઓક્ટોબરની આગાહી
3થી 5 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં જ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. જ્યારે 6 ઓક્ટોબરે નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટો છવાયો વરસાદની શક્યતા છે. તેમજ 7 ઓક્ટોબરથી 9 ઓક્ટોબર સુધી માત્ર વલસાડમાં જ છૂટો છવાયો વરસાદ થઇ શકે છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના અન્ય જિલ્લાઓમાં વરસાદની શક્યતા નથી.