ગુજરાતમાં અહીંયા છે જુદી જ પરંપરા, પુરુષો મહિલાઓના કપડા પહેરી રમે છે ગરબા; જાણો કારણ

Navratri Garba Tradition: આજે એટલે કે 3 ઓક્ટોબરથી નવરાત્રીની શરૂઆત થઈ ચૂકી છે. દેશભરમાં નવરાત્રીનો તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવે છે. દેશમાં વસતા કરોડો હિન્દુઓ નવ દિવસ સુધી માતાજીની આરાધનામાં લીન રહેશે. અલગ અલગ જગ્યાએ માતાજીની (Navratri Garba Tradition) મૂર્તિઓ મંડપોમાં પધરાવવામાં આવી છે. ભારતમાં વિવિધ સ્થળોએ અલગ અલગ રીતે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે.

તો આવામાં ગુજરાત કેમ્પ પાછળ રહી જાય. ગુજરાતીઓનો સૌથી પ્રિય તહેવાર નવરાત્રી હવે શરૂ થઈ ચૂક્યો છે. સામાન્ય રીતે પુરુષ મહિલાઓ એક સાથે ગરબા રમે છે. અથવા તો મહિલાઓ મહિલાઓ સાથે અને પુરુષો અન્ય પુરુષો સાથે ગરબા રમે છે. પરંતુ ગુજરાતમાં એક જગ્યા એવી પણ છે જ્યાં પુરુષ ગરબા તો રમે છે પરંતુ સ્ત્રીનો વેશ ધારણ કરીને.

મહિલાઓની જેમ સાડી પહેરી પુરુષો રમે છે ગરબા
તમે નવરાત્રીના પર્વમાં મહિલાઓને તો ખૂબ ગરબે ઘૂમતા જોયા હશે. તો તેની સાથે જ પુરુષો પણ ગરબા રમતા જોવા મળે છે. પરંતુ ક્યારેય તમે પુરુષોને મહિલાઓની જેમ સાડી બ્લાઉઝ પહેરી ગરબા રમતા જોયા છે? ન જોયા હોય તો ગુજરાતના શાહપુર વિસ્તારમાં તમે જશો તો તમને આ અનોખો નજારો જોવા મળશે.

ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદના શાહપુર વિસ્તારમાં સાધુ માતા ગલી અને અંબે માતા મંદિરમાં નવરાત્રી દરમિયાન પુરુષો સાડી પહેરી ગરબા રમે છે. નવરાત્રીના આઠમા દિવસે વિસ્તારના તમામ પુરુષ વ્યક્તિઓ મહિલાઓની જેમ વસ્ત્રો ધારણ કરી શૃંગાર કરી સાડી પહેરી ગરબા રમવા માટે આવે છે. આ નજારો જોવા લોકો દૂર દૂરથી પણ આવે છે.

200 વર્ષ જૂની છે પરંપરા
ગુજરાતના અમદાવાદમાં નવરાત્રી દરમિયાન શાહપુર વિસ્તારમાં પુરુષો સાડી પહેરી ગરબા રમે છે. જાણકારો જણાવે છે કે આ વિસ્તારમાં આ પરંપરા લગભગ 200 વર્ષોથી ચાલી આવી રહી છે. આની પાછળની હકીકત એવી છે કે એ ખાસ સમુદાયના પુરુષોને સાદુબા નામની મહિલાએ શ્રાપ આપ્યો હતો.

આ શ્રાપથી બચવા માટે તેઓ નવરાત્રી દરમિયાન સાડી પહેરી ગરબા રમે છે. તેને શેરી ગરબા કહેવામાં આવે છે. અને આ રીતે ફક્ત નવરાત્રિના આઠમા દિવસે જ ગરબા રમવામાં આવે છે. આ સમાજનું માનવું એવું છે કે આવું કરવાથી તેમના પરિવારના પુરુષો ઉપર કોઈ મુશ્કેલી કે સંકટ આવતું નથી.