VIDEO: ભારતના ‘રતન’ની વિદાય: તિરંગામાં લપેટીને પાર્થિવદેહ અંતિમ દર્શન માટે લવાયો

Ratan Tata Passed Away: રતન ટાટાને શ્વાસ લેવામાં તકલીફ થતાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બુધવારે રાત્રે 11.30 વાગ્યે સારવાર દરમિયાન મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 86 વર્ષની વયે તેમનું નિધન થયું હતું. ત્યારે દેશના દિગ્જ્જ ઉદ્યોગપતિ રતન ટાટાના (Ratan Tata Passed Away) અંતિમ સંસ્કાર આજે સાંજે 4 વાગ્યે રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. તેમજ સવારે 10 વાગ્યે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે નરીમાન મેદાનના NCPA લૉનમાં રાખવામાં આવ્યા છે. જ્યાં મોટા મોટા દિગ્ગ્જ્જો અધિકારીઓ તથા રાજનેતાઓ તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચી રહ્યા છે.

રતન ટાટાના અંતિમ સંસ્કાર ક્યારે થશે ?
રતન ટાટા પારસી સમુદાયમાંથી આવે છે પરંતુ તેમના અંતિમ સંસ્કાર પારસી ધાર્મિક વિધિઓને બદલે હિંદુ પરંપરા મુજબ કરવામાં આવશે. તેમના પાર્થિવ દેહને આજે સાંજે 4 વાગ્યે મુંબઈના વરલી ખાતે ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં રાખવામાં આવશે. અહીં લગભગ 45 મિનિટ સુધી પ્રાર્થના થશે, ત્યારબાદ અંતિમ સંસ્કાર આપવામાં આવશે.

હિન્દુ પરંપરાથી થશે રતન ટાટાના અંતિમ સંસ્કાર
પારસી સમુદાયમાં અંતિમ સંસ્કારના નિયમો હિન્દુ કરતાં અલગ છે. પારસીઓમાં અંતિમ સંસ્કારની પરંપરા 3 હજાર વર્ષ જૂની છે. હજારો વર્ષ પહેલાં પર્શિયા (ઈરાન)થી ભારતમાં આવેલા પારસી સમુદાયમાં ન તો મૃતદેહને બાળવામાં આવે છે કે ન તો દફનાવવામાં આવે છે. પારસી ધર્મમાં વ્યક્તિના મોત બાદ મૃતદેહને ગીધ માટે ટાવર ઓફ સાયલન્સ અથવા દખ્મા તરીકે ઓળખાતા પરંપરાગત કબ્રસ્તાનમાં ખાવા માટે ખુલ્લામાં છોડી દેવામાં આવે છે.

પારસી સમુદાયના અગ્નિ સંસ્કારમાં ફેરફાર કેમ કરાયો
કોરોના મહામારી દરમિયાન મૃતદેહોના અગ્નિસંસ્કારની પદ્ધતિઓમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં ટાવર ઓફ સાયલન્સ માટે યોગ્ય જગ્યાના અભાવ અને ગરુડ અને ગીધ જેવા પક્ષીઓના અભાવને કારણે પારસી લોકોએ અંતિમ સંસ્કાર કરવાની રીત બદલવાનું શરૂ કર્યું છે. હવે આ પક્ષી ભારતના આકાશમાંથી લગભગ ગાયબ થઈ ગયું છે. તેથી પારસીઓ માટે તેમની વર્ષો જૂની પરંપરાઓનું પાલન કરવું ખૂબ મુશ્કેલ બની ગયું છે. હવે ઘણા પારસી પરિવારો હિન્દુ પરંપરા મુજબ અંતિમ સંસ્કાર કરે છે.