મેઘરાજા ગુજરાતમાં આજે હજુ વધુ ધબધબાટી બોલાવશે! હવામાન વિભાગે કરી આગાહી

Gujarat Rain Forcast: ગુજરાતમાં ચોમાસાની સિઝનની વિદાય બાદ પણ મેઘરાજા જવાનું નામ જ નથી લેતા. હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે વરસાદ (Gujarat Rain Forcast) અંગેની આગાહી કરી છે. ગુજરાતમાં સાત દિવસ અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ માવઠું રહેવાનું અનુમાન આપવામાં આવ્યું છે. વરસાદની સાથે ગાજવીજની પણ આગાહી આપવામાં આવી છે.

છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં થન્ડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી છે. આ સાથે તેમણે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર કચ્છમાં આજથી વાતાવરણ સુંકુ રહેશે.હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે (17 ઓક્ટોબરે) સૌરાષ્ટ્રના ચાર અને મધ્ય-દક્ષિણ ગુજરાતના આઠ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ સહિત છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ જિલ્લા તથા દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ રહેશે.

21-22 ઓક્ટોબરે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 18થી 20 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસવાનું અનુમાન છે. આ સાથે 21-22 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

સુરતમાં બુધવારે સાંજે કડાકાભેર વરસાદ પડ્યો હતો. ચોમાસુ બેઠું હોય ત્યારે જે પ્રકારે આકાશમાં વાદળો ઘેરાય અને પવન ફૂંકાય અને વાદળો તીવ્ર ગર્જે તે પ્રકારનું વાતાવરણ સર્જાયું હતું. વીજળીના કડાકા ભડાકા વચ્ચે સુરત શહેરમાં ધોધમાર વરસાદ ઝીંકાયો હતો. જોકે, અડધો કલાકમાં વરસાદ અટકી પણ ગયો હતો.

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેશે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની વકી છે. તો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વંટોળ સાથે વરસાદ પડે તેવી શક્યતા છે. જો આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથમાં વરસાદની આગાહી છે.