હાલોલ નજીક મધવાસ પાસે કેમિકલનું ટેન્કર પલટ્યું: બાઇકચાલક ટેન્કરમાં ઘૂસી જતાં મોત

Panchmahal Accident: પંચમહાલ જિલ્લાના કાલોલ-હાલોલ રોડ પર આવેલ GIDC નજીક ટેન્કરની પાછળ ધડાકાભેર બાઈક ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો (Panchmahal Accident) હતો. જેમાં બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે પાછળ બેઠેલ યુવક ઈજાગ્રસ્ત થતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

બાઈક ધડાકાભેર ટેન્કરમાં ઘૂસી ગયું
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કાલોલના મધવાસમાં રહેતા પંકજભાઈ પ્રતાપભાઈ રાઠોડ અને નરેશભાઈ રમેશભાઈ રાઠોડ બાઈક પર પંકજભાઈની સાસરીમાંથી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન કાલોલ હાલોલ જીઆઈડીસી રોડ પર ઈન્ડોરસ કંપની પાસેથી પસાર થતા હતા, ત્યારે બાઈકની આગળ ચાલી રહેલા ટેન્કર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલા પંકજ રાઠોડનું બાઈક ધડાકાભેર ટેન્કરમાં ઘૂસી ગયું હતુ.

માથાના ભાગે ગંભીર ઈજા થતાં એક વ્યક્તિનું મોત
આ અકસ્માતમાં બાઈક ચલાવી રહેલા પંકજ રાઠોડને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. જ્યારે બાઈકની પાછળ બેઠેલા નરેશ રાઠોડ ઈજાગ્રસ્ત થતાં એમ્બ્યુલન્સ મારફતે તેમને સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ મામલે મૃતકના પરિવારજનોએ કાલોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેના આથારે પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.