અંકલેશ્વર GIDCમાં આવેલી અવસર એન્ટરપ્રાઇઝમાંથી 250 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, જાણો સમગ્ર મામલો

Ankleshwar Drugs Case: ગુજરાતના દરિયા કિનારેથી અવાર-નવાર ડ્રગ્સ ઝડપી પાડવામાં આવતું હોવાના સમાચાર અવાર-નવાર પ્રાપ્ત થાય છે. પરંતુ હવે ફેક્ટરીમાંથી ડ્રગ્સ પકડાતું થયું છે. અઠવાડિયા પહેલાં જ અંકલેશ્વરની એક ફેક્ટરીમાંથી 5 હજાર કરોડનું ડ્રગ્સ (Ankleshwar Drugs Case) ઝડપાયું હતું. ત્યારે ફરી એકવાર અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી કંપનીમાંથી 427 કિલો ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત 250 કરોડ હોવાનું અનુમાન છે.

બે લોકોની ધરપકડ
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત અને ભરૂચ પોલીસે એક સંયુક્ત ઓપરેશ પાર પાડીને અંકલેશ્વરની અવસર એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાંથી 427 કિલોનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આટલો મોટો ડ્રગ્સ ઝડપાતા પોલીસબેડામાં હાહાકાર મચી ગયો છે. પોલીસે કંપની સંચાલક સહિત બે લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ ડ્રગ્સનો જથ્થો તપાસ અર્થે એફએસએલમાં મોકલી આપ્યો છે.

મોટા રેકેટનો પર્દાફાશ થવાની શક્યતા
પોલીસ પૂછપરછ દરમિયાન મોટા રેકેટનો પર્દાફાશ થઇ શકે છે. આ ડ્રગ્સ કેવી રીતે અહીં આવ્યું. કોને પહોંચાડવાનું હતું જેવા વગેરે પ્રશ્નોના જવાબ મળી જશે. જોકે અઠવાડિયામાં જ આટલી મોટી માત્રા બીજીવાર ડ્રગ્સ ઝડપાતા લોકોના મોંઢે ચર્ચાઇ રહ્યું છે કે ગુજરાતમાં પોલીસ, એનસીબી, ડીઆરઆઈ સહિત અન્ય કેન્દ્રીય સંસ્થાઓ સરહદી સીમા ઉપરાંત દરિયામાં રાઉન્ડ-ધ-કલોક સર્વેલન્સ, સીસીટીવી કેમેરા સહિત લેટેસ્ટ ટૅક્નોલૉજીથી દેખરેખ રાખી રહી છે તેમ છતાં ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે. હવે આટલી મોટી માત્રામાં ડ્રગ્સ પકડાતું હોય તો પાછલા બારણે ડ્રગ્સનો કાળો કારોબાર કેટલો મોટો હશે, જે ચિંતાનો વિષય છે. આજે ગુજરાત ડ્રગ્સનું પ્રવેશ દ્વાર જ નહીં, પણ એપિસેન્ટર બન્યું છે જે પોલીસ માટે પણ પકડારરૂપ છે.

અંકલેશ્વરમાંથી મળ્યું 5 હજાર કરોડનું ડ્રગ્સ
રવિવારે (13 ઓક્ટોબર) ભરૂચના અંકલેશ્વરમાં આવકાર ડ્રગ્સ પ્રા. લિમિટેડ કંપનીમાં સર્ચ દરમિયાન પોલીસને 518 કિલોગ્રામ કોકેઈન મળી આવ્યું હતું, જેની કિંમત 5,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ખાનગી કંપનીમાંથી કોકેઈન મળી આવ્યું હતું. અગાઉ, 1 ઓક્ટોબરે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મહિપાલપુરમાં તુષાર ગોયલ નામના વ્યક્તિના વેરહાઉસ પર દરોડો પાડ્યો હતો અને 562 કિલોગ્રામ કોકેઈન અને 40 કિલોગ્રામ હાઈડ્રોપોનિક ગાંજાના કન્સાઈનમેન્ટને જપ્ત કર્યો હતો. તપાસ દરમિયાન 10 ઓક્ટોબરે દિલ્હીના રમેશ નગરમાં એક દુકાનમાંથી લગભગ 208 કિલોગ્રામ વધારાનું કોકેઈન મળી આવ્યું હતું.

5 વર્ષમાં ગુજરાતમાં ઝડપાયું 93691 કિલો ડ્રગ્સ
રાજ્યમાંથી હજારો કિલો ડ્રગ્સ પકડાઈ રહ્યું છે ત્યારે ભાજપ સરકાર વાહવાહી લૂંટે છે, પરંતુ પાછલા બારણે કેટલું ડ્રગ્સ વેચાતું હશે તે જનતાને મૂંઝવતો સવાલ છે. આજે ગુજરાત જાણે નશાખોરીનું એપિસેન્ટર બની રહ્યું હોય તેવુ ચિત્ર ઉપસ્યું છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 93691 કિલો ડ્રગ્સ, 2229 લીટર પ્રવાહી ડ્રગ્સ તથા 73163 ડ્રગ્સ પીલ્સ-ઇન્જેક્શન પકડાયા છે. આમ, ગુજરાત ડ્રગ્સ તસ્કરીનું સિલ્ક રૂટ બની રહ્યું છે.

ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફૂલ્યોફાલ્યો
મોંઘવારી, બેરોજગારી ઉપરાંત અન્ય કારણોસર સગીર વયના બાળકો, મહિલાઓને ડ્રગ્સની તસ્કરી માટે ડ્રગ્સ માફિયાઓ ઉપયોગ કરી રહ્યા છે. રાષ્ટ્રીય સર્વે અનુસાર ગુજરાતમાં વર્ષ 2018ના આંકડા પ્રમાણે રાજ્યના 17 લાખ 35000 પુરુષો ડ્રગ્સના બંધાણી જયારે 1 લાખ 85 મહિલાઓ ડ્રગ્સની બંધાણી છે. આ જ દર્શાવે છે કે, ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફૂલ્યોફાલ્યો છે.