Gujarat Rainfall Alert: હવામાન વિભાગની આગાહી અનુસાર આખા રાજ્યમાં અને આજે વહેલી સવારથી સુરત તથા અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છવાયો છે. અમદાવાદમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ (Gujarat Rainfall Alert) વરસી રહ્યો હતો. આજે વહેલી સવારથી જ ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવા સહિત કેટલાક વિસ્તારમાં ધીમીધારે તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો રાજ્યના કેટલાક ભાગોમાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ પડે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જિલ્લાઓમાં વરસાદે ઉભા પાકનો વિનાશ વેર્યો છે.
સુરતમાં ધોધમાર વરસાદ
સુરત શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદથી વાહનચાલકોને ભારે હાંલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સુરતમાં હિરા ઉદ્યોગ-અને કાપડ ઉદ્યોગમાં જતા નોકરીયાતોને વરસાદને પગલે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. સુરત શહેરના અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા હતા. સુરતના વરાછા, સરથાણા, કાપોદ્રા, પુણા ગામ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જો કે સુરતમાં ત્રણ દિવસના વિરામ બાદ મેઘરાજા મહેરબાન થયા છે.
અમદાવાદમાં આ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો
શહેરના પશ્ચિમ વિસ્તારમાં વસ્ત્રાપુર, થલતેજ, ઇસ્કોન, એસજી હાઇવે, મેમનગર, ગુરુકુળ, બોપલ, શીલજ, ઘુમા, સિંધુભવન રોડ પર ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરના રાણીપ, ન્યુ રાણીપ, ગોતા, ચાંદલોડિયા, જગતપુર, ચાંદખેડા, સુભાષબ્રિજ, વાડજ, નવા વાડજ, ઉસ્માનપુરા, આશ્રમરોડ સહિતના વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે નીચાણવાળા સ્થળો પર પાણી ભરાયા હતા.
સૌરાષ્ટ્રમાં જળબંબાકાર જેવી સ્થિતિ
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં દિવાળીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. છતાં મેઘાવી માહોલ વિખેરાતો નથી. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં પ્રચંડ ગાજવીજ સાથે 7 ઈંચ સુધીનો વરસાદ વરસી ગયો હતો. જેમાં કાલાવડ, ગોંડલ અને લોધિકા પંથકમાં 5થી 7 ઇંચ વરસાદે ખેતીપાકનો સોંથ વાળી દીધો હતો. ગિરનાર, મેંદરડા, માળિયા હાટિનામાં પણ 4 ઈંચ વરસાદે જળ બંબાકાર સર્જી દીધો હતો. રાજકોટ શહેરમાં 3 ઈંચ વરસાદથી માર્ગો પાણીમાં ગરકાવ થઇ ગયા હતાં.
હવામાન વિભાગે શું કરી આગાહી
વરસાદને લઇ હવામાન વિભાગે જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. ભાવનગર, અમરેલીમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મોરબી, જામનગરમાં હળવા વરસાદ રહેશે. દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર, વડોદરા, છોટાઉદેપુરમાં હળવા વરસાદની આગાહી છે. નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની આગાહી છે. અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદી ઝાપટાં પડશે.
વરસાદને લઇ અંબાલાલ પટેલની આગાહી
વરસાદી આફત યથાવત રહેવાનો અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યો છે. આગામી બે ત્રણ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં હજુ ત્રણ દિવસ એટલે કે આજથી 23 ઓક્ટોબર સુધી વરસાદ વરસવાની શકાયતા છે. સૌરાષ્ટ્રના છુટાછવાયા વિસ્તારોમાં વરસાદનો અનુમાન છે. વરસાદથી ખેડૂતોને સતર્ક રહેવાની અંબાલાલ પટેલે અનુરોધ કર્યો છે. આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનો અનુમાન છએ. ઉલ્લેખનિય છે કે, હવામાનના મોડલ આગામી ત્રણ દિવસ વરસાદના સંકેત આપી રહ્યાં છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં 23 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App