દિવાળી પહેલાં ગુજરાતના ખેડૂતો માટે આવ્યા ખુશીના સમાચાર: પાક નુકસાની સહાય પર આવી મોટી અપડેટ

Gujarat Farmer News: અતિભારે વરસાદને કારણે રાજ્યના અનેક ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. આ નુકસાનના કારણે ખેડૂતોને મોટો આર્થિક ફટકો લાગ્યો છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કૃષિ પેકેજ તૈયાર કર્યું છે, જે ટૂંક સમયમાં (Gujarat Farmer News) જાહેર કરાશે. અંદાજે 1000 કરોડનું આ પેકેજ ખેડૂતો માટે રાહતરૂપ થશે અને તે અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત આશરે 4 લાખ જેટલા ખેડૂતોને લાભ આપશે.

1000 કરોડનું પેકેજ સરકાર જાહેર કરશે
ચોમાસા દરમિયાન ઓગસ્ટના અંતથી સપ્ટેમ્બરની શરૂઆત સુધી રાજ્યના સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને અન્ય વિસ્તારોમાં સતત ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે મોટી સંખ્યામાં ખેડૂતોના ખેતરોમાં પાકનો નાશ થયો. ડાંગર, કપાસ, મગફળી, તેમજ બાગાયતી પાકોને ખાસ કરીને ભારે નુકસાન થયું છે.

આ નુકસાનને પહોંચી વળવા માટે સરકાર દ્વારા વિશેષ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, અને આ સર્વેના આધારે 1000 કરોડનું પેકેજ મંજૂર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી દ્વારા ટૂંક સમયમાં આ પેકેજની જાહેરાત કરવામાં આવશે.

આ વર્ષે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું
ખાસ કરીને જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને અન્ય 14 જિલ્લાઓમાં વરસાદના કારણે પાકને વિશાળ પાયે નુકસાન થયું છે. ખેડૂતો માટે આ વર્ષ સૌથી વધુ આફતરૂપ સાબિત થયું છે, ખાસ કરીને, બાગાયતી પાક અને અનાજના પાકની ઉપજના બદલે વાવેતર કરેલા પાકો જમીનમાં જ ધોવાઈ ગયા. રાજ્ય સરકારની સહાયની જાહેરાત ખેડૂતો માટે એક આશાજનક પગલું સાબિત થશે.

આ પેકેજ ખેડૂતોને આર્થિક રીતે ફરી ઉભા થવામાં મદદરૂપ થશે
જુલાઈમાં થયેલા અન્ય ભારે વરસાદમાં 9 જિલ્લાઓમાં પાકને મોટું નુકસાન થયું હતું, જેમાં SDRF ધારા-ધોરણ હેઠળ 350 કરોડનું પેકેજ જાહેર કરાયું હતું. એ જ રીતે, આ વખતે પણ અતિવૃષ્ટિથી પાકને થયેલા નુકસાન માટે 1000 કરોડનું પેકેજ સરકાર રજૂ કરી રહી છે, જેની ટૂંક સમયમાં કેબિનેટની મંજૂરી બાદ જાહેરાત કરવામાં આવશે. જેથી આ પેકેજ ખેડૂતોને આર્થિક રીતે ફરી ઉભા થવામાં મદદરૂપ થશે.