ગાંધીનગરમાં થાંભલા સાથે બુલેટ અથડાતા એક યુવકને ભરખી ગયો કાળ; જાણો સમગ્ર ઘટના

Gandhinagar Accident: ગાંધીનગર શહેરના ઘ -ચાર પાસે સેન્ટ્રલ વિસ્ટા તરફ બુલેટ ઉપર જઈ રહેલા ત્રણ મિત્રોનું બુલેટ રોડ સાઈડમાં થાંભલા સાથે અથડાતા પાછળ સવાર યુવાનના (Gandhinagar Accident) માથાના ભાગે થાંભલો અથડાતા તેનું ગંભીર ઇજાઓને કારણે સ્થળ ઉપર જ મોત નીપજયું હતું. જે સંદર્ભે સેક્ટર-7 પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

અકસ્માતમાં બુલેટ સવાર યુવાનનું મોત
ગાંધીનગર શહેરના પહોળા રાજમાર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેરના સેન્ટ્રલ વિસ્ટામાં સર્જાયેલા અકસ્માતમાં બુલેટ સવાર યુવાનનું મોત થયું હતું. જે ઘટના સંદર્ભે ઇન્દ્રોડા ગામમાં રહેતા અને કલર કામ કરતા શિવમ ઉમેશ બરેઠાએ ફરિયાદ નોંધાવી હતી કે,ગઈકાલે તે અમદાવાદ અમદાવાદ ચાંદલોડિયા ખાતે કલરકામ કરતો હતો.

આ રીતે સર્જાયો અકસ્માત
આશરે બપોરના અઢી વાગ્યાના અરસામાં તેનો પિતરાઈ ભાઈ કપિલ તેના બે મિત્રો નિખિલ બરૈઠા અને પ્રેમ સાથે મહાત્મા મંદિર – વિસ્ટા ગાર્ડન તરફ બુલેટ ઉપર ફરવા માટે નિકળ્યા હતા. ત્યારે બુલેટ કપિલ ચલાવતો હતો. જેની પાછળ પ્રેમ અને નિખિલ બેઠા હતા. દરમ્યાન મહાત્મા મંદિર તરફ જતા હતા. એ વખતે બેંક ઓફ બરોડા તરફના કટ બાજુથી એક કાર નીકળી હતી.

પોલીસે કાર્યવાહી હાથ ધરી
જેની સાથે અકસ્માતથી બચવા કપિલે બુલેટ ફૂટપાથ પર ચડાવી દીધું હતું અને સહેજ આગળ જતાં બુલેટ સવસ રોડના ફૂટપાથનાં થાંભલાને અડી જતાં પાછળ છેલ્લે બેઠેલા નિખિલનું માથું ધડાકાભેર થાંભલા સાથે અથડાયુ હતું. જેનું માથામાં ગંભીર ઈજાઓ થતાં સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

જ્યારે પ્રેમને શરીરે વધતી ઓછી ઈજાઓ થઈ હતી. જેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સિવિલ લઈ જવાયો હતો. બનાવની જાણ થતાં સેકટર-7 પોલીસ મથકના એએસઆઈ અશોક ચૌધરી તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને અકસ્માતનો ગુનો દાખલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.