વડોદરામાં બિરાજમાન બોલાઈ માતા મૂંગા બાળકોને આપે છે વાચા; જાણો ચમત્કારી માતાજીના મંદિર વિશે

Bolai Mataji Temple: સંસ્કારીનગરી વડોદરામાં પૌરાણિક બોલાઇ માતાજીનું મંદિર આવેલું છે. જે બાળકો બોલતાં ન હોય તેના માટે બોલાઇ માતાજીની બાધા રાખવામાં આવે છે. મંદિરનો (Bolai Mataji Temple) ઐતિહાસિક પૃષ્ઠભૂમિ છે, જેમાં પાંડવો અને માતાજી વચ્ચેના સંવાદનો ઉલ્લેખ છે. મહારાજા ખંડેરાવ ગાયકવાડે સ્વપ્નમાં માતાજીનો આદેશ મળ્યા બાદ આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

માતાજીના મંદિરનો ઈતિહાસ
બોલાઇ માતાજીના મંદિરના ઇતિહાસ પર નજર નાંખવામાં આવે તો સૈકાઓ પૂર્વે બોલાઇ માતાજીનું મંદિર લહેરીપુરા દરવાજા પાસે આવેલું હતું. ત્યારબાદ ખંડેરાવ મહારાજે સિધ્ધનાથ રોડ પર મંદિરનું નિર્માણ કરાવ્યું.. મંદિરના નિર્માણ સંદર્ભે એવી લોકવાયકા છે કે મહારાજા ખંડેરાવ ગાયકવાડની વય વધતા તેઓ મહારાષ્ટ્રમાં આવેલાં વાડે બોલ્હાઇ ખાતે માતાજીના દર્શનાર્થે જઈ શકતા ન હતા.

જે પરિસ્થિતીમાં માતાજીએ સ્વપ્નમાં આવી વડોદરામાં મંદિરનું નિર્માણ કરવાનું કહ્યું હતું. માતાજીના આદેશ પ્રમાણે ખંડેરાવ મહારાજાએ વડોદરામાં માતાજીના મંદિરનું નિર્માણ કરાવ્યું હતું .રાજવી પરિવારના સદસ્યો લગ્ન પ્રસંગે માતાજીને નમન કરવા તેમજ કંકોત્રી આપવા અવશ્ય આવતા હતાં.

બાળકો માટે બોલાઇ માતાની બાધા રાખવાથી બોલતા થાય તેવી માન્યતા
બોલાઇ માતાજીના મંદિરના ધાર્મિક મહત્વની વાત કરવામાં આવે તો જે બાળકો જન્મથી જ બોલી શકતા ના હોય અન્યથા બોલવામાં તકલીફ હોય એવા બાળકો માટે બોલાઇ માતાની બાધા રાખવાથી બોલતા થતા હોવાની વાયકા છે. બોલાઇ માતાજીના મંદિરે દર રવિવાર અને મંગળવારે ભક્તોનો ધસારો રહે છે.

વધુમાં મોટા ખંડોબા મહારાજના લગ્નનો વરઘોડો – પાલખી બોલાઇ માતાજીના મંદિરેથી પ્રસ્થાન કરાવાય છે . જ્યારે નાના ખંડોબા મંદિરની પાલખી લગ્ન માટે બોલાઇ માતાજીના મંદિરે આવે છે.