રાજ્યમાં નકલીઓનો રાફડો ફાટ્યો: આચાર્ય બન્યા શિક્ષણ વિભાગના નકલી નિયામક, કચેરીની તપાસમાં ભાંડો ફૂટ્યો

Banaskantha Majadar Primary School: રાજ્યમાં નકલી ચીજવસ્તુ, અધિકારી, કચેરીઓની ભરમાર વચ્ચે હવે શિક્ષકની બદલીના નકલી ઓર્ડરનું કારસ્તાન સામે આવ્યું છે. બનાસકાંઠાના વડગામ તાલુકાની મજાદર પ્રાથમિક શાળાના આચાર્યે ગાંધીનગર શિક્ષણ નિયામકનો નકલી પત્ર (Banaskantha Majadar Primary School) બનાવી તેમાં નકલી સહી કરી એક શિક્ષકની બદલીનો પત્ર આપ્યો હોવાનું સામે આવ્યું છે. થરાદ તાલુકાની ડુવા શાળાના શિક્ષકને આ નકલી બદલી પત્ર આપ્યો હોવાનું ખુલતાં તપાસ તેજ કરાઈ છે.

જાણો સમગ્ર ઘટના
બનાસકાંઠાના વડગામની મજાદર પ્રાથમિક શાળાના શિક્ષક બ્રિજેશ પરમારે શિક્ષણ વિભાગના સચિવના સહી અને સિક્કા કરી બદલીનો નકલી ઓર્ડર બનાવ્યો હતો. હાલ બદલીનો કેમ્પ યોજાયો હતો, જેમાં શિક્ષકોની બદલી કરવામાં આવી હતી. ત્યાર બાદ મજાદર પ્રાથમિક શાળાના શિક્ષક બ્રિજેશ પરમારે નકલી સહી-સિક્કા સાથેનો ઓર્ડર બનાવી થરાદની ડુવા પ્રાથમિક શાળાના શિક્ષકને આ ઓર્ડર આપી દીધો હતો. આ શિક્ષક જ્યારે જેતે સમયે બદલીના ઓર્ડર મુજબ અન્ય શાળામાં હાજર થવા ગયા ત્યારે આ ઘટનાનો પર્દાફાશ થયો હતો.

બ્રિજેશ પરમારને સસ્પેન્ડ કરીને પોલીસ ફરિયાદના આદેશ
અત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તાત્કાલિક અસરથી આચાર્ય બ્રિજેશ પરમારને સસ્પેન્ડ કરીને પોલીસ ફરિયાદના આદેશ આપ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતુ કે, બ્રિજેશ પરમાર ગાંધીનગર નિયામકના ખોટા લેટરથી શિક્ષકોની બદલી કરવાના હતાં. નોંધનીય છે કે, અત્યારે આ કારસ્તાન બહાર આવ્યું છે. જે મામલે તપાસ તેજ કરી દેવામાં આવી છે.

હવે શિક્ષકની બદલી પણ નકલી!
રાજ્યમાં અત્યારે નકલી નકલીની ભરમાર જોવા મળી રહી છે. પહેલા નકલી કચેરી, નકલી ઓફિસ, નકલી અધિકારી અને હવે શિક્ષકની બદલી પણ નકલી! આ કૌભાંડો ક્યારે અટકશે? એવું લાગી રહ્યું છે કે, દરેક વિભાગોની સઘન તપાસ થવી જોઈએ અને જોવું જોઈએ કે, ક્યા કોણ ફ્રોડ કરી રહ્યું છે. કારણ કે, જે પ્રકારે અત્યારે આ બધી બાબતો સામે આવી રહીં છે તેને જોતા રાજ્ય માટે ખુબ જ ચિંતાજનક વાત છે. આવા કૌભાંડો કરતા લોકો સામે કડક કાર્યવાહી થવી અનિવાર્ય છે.