ખેડૂતોની આશા પર ફરી વળ્યું પાણી, ક્યારે ફૂંકાશે ઠંડીનો પવન? હવામાન વિભાગે કરી આગાહી

Cold in Gujarat: રાજ્યમાં વહેલી સવાર અને રાતે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. પવનની દિશા ઉત્તરપૂર્વની થતાં જ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે. આ સાથે જ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી (Cold in Gujarat) નીચે પહોંચી ગયું છે. તેમજ કેટલાક શહેરોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી પણ નોંધાયું છે. તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે જોઈએ કે, આજથી પાંચ દિવસ ગુજરાતમાં ઠંડી વધશે કે નહીં.

વાતાવરણમાં 2 ડિગ્રી જેટલો થયો ઘટાડો
હવામાન વિભાગે જણાવ્યું છે કે, હાલ મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચેનું અંતર ઘટ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન પણ ઘટ્યું છે. દિવસના તાપમાનમાં પણ થોડાક અંશે ઘટાડો નોંધાયો છે. જેથી આવનારા દિવસોમાં શિયાળુ પાકનું વાવેતર કરવું હોય તો ખેડૂત મિત્રો કરી શકે તેવું હવામાન થઈ ગયું છે.

મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 32.7 ડિગ્રી નોંધાયું છે. જે છેલ્લા 24 કલાકની સરખામણીમાં એક ડિગ્રી જેટલું નીચું ગયું છે. તો પણ આ તાપમાન સામાન્યથી વધારે છે. આ સાથે તેમણે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 19.7 ડિગ્રી નોંધાયું છે. જે છેલ્લા 24 કલાકમાં 0.8 ડિગ્રી વધ્યું છે. જે નોર્મલથી ત્રણ ડિગ્રી વધારે છે.

30 નવેમ્બર સુધીમાં અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણની શક્યતા
25 નવેમ્બર સુધી હાડ થીજવતી ઠંડી પડે તેવી કોઈ શક્યતા નથી. 21મી તારીખ પછી દિવસનું તાપમાન હજુ નીચું આવે તેવી શક્યતા છે પરંતુ કોલ્ડવેવની શક્યતા નથી.આ સાથે હવામાન વિભાગે વાદળ અંગે વાત કરતા તેમણે જણાવ્યું છે કે, કારતક મહિનામાં જે કાતરા થતા હોય છે તે હજી જોવા મળ્યા નથી અને અત્યારે કોઈ એવી શક્યતા પણ નથી. હાલ વાતાવરણ ચોખ્ખું રહેશે તેવી પ્રબળ શક્યતા છે. 25થી 30 નવેમ્બર સુધીમાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

હવામાન વિભાગે એમ પણ જણાવ્યું છે કે, ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાત પર પડી રહી છે. જેના કારણે આગળના દિવસોમાં રાજ્યમાં પણ ઠંડો પવન ફૂંકાવા લાગશે અને આગામી દિવસોમાં ઠંડીનું જોર વધી શકે છે.