ગૌતમ અદાણી પર અમેરિકાએ લગાવ્યો 2000 કરોડની લાંચ-છેતરપિંડીનો કેસ, જાણો સમગ્ર મામલો

Gautam Adani Controversy: ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે ગૌતમ અદાણી સહિત 7 લોકો પર અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની ઓફિસનું કહેવું છે કે અદાણીએ ભારતમાં સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને 2 હજાર કરોડ લાંચ આપવાનું વચન આપ્યું હતું. અદાણી પર લાંચની (Gautam Adani Controversy) આ રકમ વસૂલવા માટે અમેરિકન, વિદેશી રોકાણકારો અને બેંકો સાથે ખોટું બોલવાનો આરોપ છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના અધિકારીઓ અને ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અને વિનીત જૈનના નામ પણ આરોપીઓમાં સામેલ છે.

સાગર અદાણી વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર
રોયટર્સના અહેવાલ મુજબ ગૌતમ અદાણી અને સાગર અદાણી વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રોસિક્યુટર્સ ફોરેન લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓને વોરંટ સોંપવાની તૈયારી કરી રહ્યા છે. બુધવારે જ અદાણીએ 20 વર્ષના ગ્રીન બોન્ડના વેચાણથી $600 મિલિયન એકત્ર કરવાની જાહેરાત કરી હતી. થોડા કલાકો પછી, તેમના પર છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો.

અદાણીનો ભત્રીજો પણ આરોપી
આરોપીઓમાં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના અધિકારી તથા ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અદાણી અને વિનીત જૈનનું નામ પણ સામેલ છે. આટલું જ નહીં રૉયટર્સનો દાવો છે કે ગૌતમ અને સાગર અદાણી વિરુદ્ધ ધરપકડનું વોરંટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ કેસમાં સિરિલ કેબનેસ, સૌરભ અગ્રવાલ, દિપક મલ્હોત્રા અને રૂપેશ અગ્રવાલને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.

એનર્જી બિઝનેસનું સંચાલન કરે છે સાગર અદાણી
ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અદાણીએ બ્રાઉન યુનિવર્સિટી યુએસમાંથી અર્થશાસ્ત્રની ડિગ્રી મેળવી છે. ડિગ્રી પછી સાગર 2015માં અદાણી ગ્રુપમાં જોડાયા. સાગર ગ્રુપના એનર્જી બિઝનેસ અને ફાઇનાન્સનું સંચાલન કરે છે. તે રિન્યુએબલ એનર્જી બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને 2030 સુધીમાં વિશ્વની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની બનાવવાની યોજના ધરાવે છે.

સોમવારે અદાણીના એનર્જી શેરમાં ઘટાડો થયો હતો
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના આરોપો બુધવારે રાત્રે બહાર આવ્યા હોવા છતાં બે દિવસ અગાઉ 18 નવેમ્બરે અદાણી એનર્જીના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી એનર્જી સોલ્યુશન્સનો શેર 1.33 ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો.અદાણી ગ્રીન એનર્જીના શેરમાં 2.33 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. 1457 રૂપિયા પર બંધ રહ્યો હતો. અદાણી ટોટલ ગેસનો શેર 2.13 ટકાના ઘટાડા સાથે રૂ. 669.60 પર બંધ રહ્યો હતો.