કોણે કરી હતી પ્રથમ વખત ગિરનારની લીલી પરિક્રમા; જાણો ચાર પડાવનું ધાર્મિક મહત્ત્વ

Girnar Lili Parikrama 2024: કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા આદિ અનાદિ કાળથી યોજાતી આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર લીલી પરિક્રમા (Girnar Lili Parikrama 2024) 4 યુગનું પ્રતિનિધિત્વ પણ કરે છે. પરિક્રમા દરમિયાન 4 પડાવ જે ખૂબ મહત્વના માનવામાં આવે છે. જેને 4 યુગ સાથે જોડીને પણ જોવામાં આવે છે.

ગિરનારની પરિક્રમા અને તેના 4 પડાવો:
કારતક સુદ અગિયારસથી લઈને પૂનમ સુધી ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા આદિ અનાદિ કાળથી થતી આવે છે. જ્યારે સર્વ પ્રથમ વખત પરિક્રમાની શરૂઆત થઈ. ત્યારે ગિરનાર ફરતે પરિક્રમાના માર્ગ પર 4 જગ્યા પર દૈવીય તત્વો દ્વારા પડાવ નાખીને વિશ્રામ કરી જંગલમાં દેવોના અહેસાસના સાનિધ્યની વચ્ચે ભોજન પ્રસાદ બનાવીને આરોગવાની એક વિશેષ પરંપરા શરૂ થઈ. જે આજે પણ કળિયુગમાં જળવાતી જોવા મળે છે. ભવનાથમાં દામોદર કુંડમાં સ્નાન કરીને આ લીલી પરિક્રમાની શરૂઆત થાય છે. ત્યારે આપણા મનમાં સહજ પ્રશ્ન થાય કે આ ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત કોણે કરાવી હશે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત કોણે કરાવી હતી.

ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત કોણે કરી?
ઈતિહાસકારોનું કહેવું છે કે, ગિરનારની લીલી પરિક્રમા એ પુરાતનકાળથી ચાલી આવતી એક પ્રથા છે. ઈતિહાસ પર નજર કરીએ તો એવું જાણવા મળે છે કે પુરાતનકાળથી ચાલી આવતી આ પ્રથા કોઈ કારણોસર વર્ષો સુધી બંધ થઈ ગઈ હતી. જે ઈસવીસન 1864માં જૂનાગઢના દિવાન અનંતજી અમરચંદ વસાવડા હતા. તેમણે આ ગિરનારની લીલી પરિક્રમા ફરી શરૂ કરાવી હતી.

ઈતિહાસકારોનું કહેવું છે કે આ ગિરનારની લીલી પરિક્રમા આઝાદી પહેલા ત્રણ દિવસમાં પૂરી થઈ જતી હતી. ભવનાથથી શરૂ થતી આ લીલી પરિક્રમા મારવેલામાં રાત્રી રોકાણ કરી આગળ વધતી બળદેવ માતાની ગુફા બીજી રાતનું રાકાણ કરતા. આમ ત્રીજા દિવસે પાછા ભવનાથ પહોંચતા હતા. અત્યારની લીલી પરિક્રમામાં તો અનેક સુવિધાઓ ઉમેરાણી છે. હાલની પરિક્રમામાં તો અનેક અન્નક્ષેત્રો, સેવા ક્ષેત્રો અને ઉતારાની વ્યવસ્થા છે. જ્યારે પહેલાની લીલી પરિક્રમામાં તો યાત્રિકોએ પોતે જ પોતાની તમામ વસ્તુઓ લઈને જવાનું રહેતું જેમા ખાવા-પીવાનું પણ આવી જતું હતું.

એક સાથે 4 યુગોની યાત્રા
કારતક સુદ અગિયારસથી ઇટવા દ્વારથી શરૂ થયેલી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રથમ પડાવ જીણા બાવાની મઢી રાખવામાં આવે છે, જેને સતયુગના પ્રતિનિધિ તરીકે પણ આ જગ્યાને મહત્વ આપવામાં આવ્યું છે. કારતક સુદ અગિયારસની મધ્યરાત્રીએ શરૂ થયેલી પરિક્રમાનો પ્રથમ પડાવ જીણાબાવાની મઢીએ રાત્રિ રોકાણથી પૂર્ણ થાય છે. ત્યારબાદ બીજે દિવસે પરિક્રમાથીઓ વહેલી સવારે પદયાત્રા શરૂ કરે છે. જે માળવેલાની જગ્યા પર રાત્રિના સમયે પહોંચે છે. અહીં પણ રાત્રિનો પડાવ નાખવાની એક પરંપરા છે. માળવેલાની જગ્યામાં નાખવામાં આવેલા પડાવને ત્રેતાયુગ સાથે જોડીને જોડવામાં જોવામાં આવે છે. અહીં પણ પ્રત્યેક પરિક્રમાથી રાત્રિનો વિશ્રામ અને પરિક્રમાને વિરામ આપીને ભોજન પ્રસાદ ગ્રહણ કરી પડાવ રુપે રાત્રિ રોકાણ કરતા હોય છે.

આધુનિક યુગમાં 24 કલાકમાં પરિક્રમા થાય છે
આધુનિક યુગમાં માત્ર 24 કલાકમાં પરિક્રમા પૂર્ણ કરીને પરત આવતા પરિક્રમાર્થીઓની સંખ્યા પણ દર વર્ષે વધતી જાય છે. ત્રિગુણેશ્વર મહાદેવ મંદિરના મહંત રામગીરી બાપુ પરિક્રમાનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ જણાવતા જણાવે છે કે, પરિક્રમા પથ પર 4 પડાવ નાખવા ખૂબ જ મહત્વના છે. 4 પડાવ સાથે કરેલી પરિક્રમા ન માત્ર ધાર્મિક પરંતુ શારીરિક અને પ્રાકૃતિક રીતે પણ પ્રત્યેક જીવ માટે ખૂબ જ લાભપ્રદ માનવામાં આવી છે. 4 પડાવ નાખીને કરેલી પરિક્રમા કોઈ પણ વ્યક્તિના જીવનને કુદરતને સમીપે લઈ જવા માટે પૂરતી છે. પરંતુ આધુનિક યુગમાં યુવાનો 24 કલાકમાં પરિક્રમા પૂર્ણ કરી દે છે. જેથી પરિક્રમાનું મહત્વ ઘટી જાય છે અને સાથે સાથે તેના કોઈ પણ પ્રકારના લાભ 24 કલાક દરમિયાન પરિક્રમા પૂર્ણ કરનાર પરિક્રમાર્થીઓને મળતા નથી.