આજથી ભારતનું બંધારણ આ 2 ભાષાઓમાં પણ વાંચી શકાશે, રાષ્ટ્રપતિના હાથે કરાયું અનાવરણ, જુઓ વિડીયો

Indian Constitution Day: ભારતનું બંધારણ હવે સંસ્કૃત અને મૈથિલી ભાષામાં પણ ઉપલબ્ધ થશે. ભારતના 75માં બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન મોદી અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી સહિત અન્ય સાંસદોની હાજરીમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ સંસ્કૃત અને મૈથિલી ભાષામાં (Indian Constitution Day) બંધારણના પુસ્તકનું વિમોચન કર્યું હતું.

સંસ્કૃત ભાષા ભારતની પ્રાચીન ભાષા છે. તેમજ મૈથિલી એ દેશના ઉત્તર ભાગમાં આવેલા બિહાર રાજ્ય તેમજ નેપાળના તરાઈ પ્રદેશની પ્રાદેશિક ભાષા છે. આ ભાષા લખવા માટે દેવનાગરી લિપીનો ઉપયોગ થાય છે. જેને આજે પણ ઉત્તર ભાગના ઘણા લોકો વાંચી અને લખી શકે છે.

સ્ટેમ્પ અને કોઈનનું પણ અનાવરણ
બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે વિશેષ પોસ્ટ સ્ટેમ્પ અને કોઈનનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. બંધારણ દિવસ નિમિત્તે સંયુક્ત સત્રમાં કેન્દ્ર સરકારે નવી વેબસાઈટ https: //constitution75.com પણ લોન્ચ કરી છે, જે નાગરિકોને વિવિધ એક્ટિવિટી અને રિસોર્સિસ મારફત બંધારણનો વારસો જાળવી રાખવા પ્રોત્સાહન આપશે. દેશભરની સ્કૂલ-કોલેજોમાં બંધારણની પ્રસ્તાવનાનું સંયુક્ત વાંચન પણ કરાશે.

દેશના વિકાસમાં સતત માર્ગદર્શન આપે છે બંધારણ
બંને ભાષામાં બંધારણનું વિમોચન કરતાં રાષ્ટ્રપતિ મૂર્મુએ જણાવ્યું કે, ‘બંધારણ એ એક જીવંત, પ્રગતિશીલ દસ્તાવેજ છે, જે દેશના વિકાસમાં સતત માર્ગદર્શન આપી રહ્યું છે. છેલ્લા 75 વર્ષમાં આપણો દેશ વૈશ્વિક સ્તરે ભાઈચારા રૂપે ઉભરી આવ્યો છે. મહિલાઓ પણ સશક્ત બની છે. આપણા બંધારણનો ઉદ્દેશ નગર પાલિકા, ન્યાય પાલિકા અને વિધાન સભા સાથે મળી સામાન્ય લોકોના હિતોનું રક્ષણ કરતાં કામગીરી કરવાનો છે.’

ભારતીય બંધારણ ગુજરાતીમાં પણ ઉપલબ્ધ
ભારતનું બંધારણ અંગ્રેજી, હિન્દી ઉપરાંત વિવિધ પ્રાદેશિક ભાષામાં ઉપલબ્ધ છે, જેમાં કન્નડ, ગુજરાતી, કાશ્મીરી, ડોગરી, કોંકણી, મલયાલમ, મણિપુરી, મરાઠી, ઉડિયા, પંજાબી, સિંધી, તમિલ, બંગાળી, તેલુગુ, ઉર્દૂ, આસામી, બોડો અને નેપાળી પણ સામેલ છે. હવે તે સંસ્કૃત અને મૈથિલીમાં પણ ઉપલબ્ધ છે.