ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન હોવા છતાં શા માટે રહ્યા બાણ શૈયા પર? જાણો ઇતિહાસ

Mahabharata: આપણે સૌ મહાભારતની કથા જાણીએ જ છીએ. એવું માનવામાં આવે છે કે, બ્રહ્મચારી ભીષ્મ પિતામહને પોતાના પિતા શાંતનુ પાસેથી ઇચ્છામૃત્યુનું વરદાન પ્રાપ્ત થયું હતું. પરંતુ મહાભારતના યુદ્ધમાં જ્યારે અર્જુન ભીષ્મ પિતામહ સામે યુદ્ધ કરવા આવે છે ત્યારે શિખંડીને (Mahabharata) ઢાલ બનાવે છે. નીતિવાન ભીષ્મ પિતામહ શિખંડી ઉપર પ્રહાર ન કરી શક્યા અને અર્જુને તેનો લાભ લઈ તેમને બાણોથી વીંધી નાખ્યા. ત્યારે બાણ શય્યા પર રહીને મુક્તિ ઇચ્છતા ભીષ્મ પિતામહ ઉત્તરાયણ સુધીના સમયની પ્રતિક્ષા કરે છે. ઇચ્છામૃત્યુનું વરદાન પ્રાપ્ત હોવા છતાં ઘણાં અઠવાડિયાઓ સુધી અસહ્ય પીડા સહન કરે છે.

ઉત્તરાયણ બાદ દેહત્યાગ કરવાનું કારણ શું?
કથા મુજબ મહાભારત કાળના સમયમાં ગંગાપુત્ર ભીષ્મ પિતામહ કે જેઓ આઠ વસુઓમાંના એક હતા. એક શ્રાપના કારણે તેમને મનુષ્ય અવતાર લેવો પડ્યો હતો. તેમના આ અંતિમ મનુષ્ય દેહમાં કરેલા જીવનના કર્મોના પ્રભાવથી મુક્તિ માટે એક શુભ દિવસની રાહ જોતા હતા.

સૂર્ય ઉત્તરનો થયા બાદ પ્રકૃતિમાં થનારા પરિવર્તનના અનુભવમાં તેમજ યુદ્ધ દક્ષિણ આયનમાં શરૂ થયું હોવાના કારણે સૂર્ય જ્યાં સુધી ઉત્તર આયનનો ન થાય ત્યાં સુધી તેઓ શરીર ત્યાગ કરવા માગતા નહોતા. તેથી જ તેમણે ઉત્તરાયણના સમય બાદ શરીરનો ત્યાગ કર્યો..

એવી માન્યતા છે. ભીષ્મ પિતામહ વિદ્વાન હતા. તેઓ મહાન યોદ્ધા પણ હતા. ખુબ જ કષ્ટ સહન કરીને પણ તેઓ બાણ શૈયા પર રહ્યા. તેઓ સુર્યની ગતિને દક્ષિણાયનમાંથી ઉત્તરાયણમાં જવાની પ્રતિક્ષા કરી રહ્યા હતા.

શ્રીકૃષ્ણ સામે દેહત્યાગ કરીને મોક્ષની પ્રાપ્તિ કરી
શાસ્ત્રો અનુસાર સુર્ય ધન રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. તે અતિ શુભ દિવસ અને સુર્યના મકર રાશિમાં પ્રવેશથી આ દિવસને મકરસંક્રાંતિ પર્વ કહેવામાં આવે છે. ભીષ્મ પિતામહ વિદ્વાન હોવાથી આ સંયોગને સારી રીતે જાણતા હતા, તેથી જ મહાભારતનું યુદ્ધ પુરા થયા પછી ખુબ જ કષ્ટ સહન કર્યા પથી તેમણે મકરસંક્રાંતિના શુભ દિવસે ભગવાન શ્રીકૃષ્ણ સામે દેહ ત્યાગ કરીને મોક્ષની પ્રાપ્તિ કરી હતી.