ગાંધીનગરમાં પુરપાટ ઝડપે જતી બ્રેઝા ટ્રકની પાછળ ઘૂસી જતાં બે યુવાનોને મધરાતે કાળ ભેટ્યો

Gandhinagar Accident: ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી અકસ્માતોની સંખ્યા વધી રહી છે. આ દરમિયાન ગાંધીનગરના લીંબડિયા નર્મદા મુખ્ય કેનાલના બ્રીજ નજીક નેશનલ હાઇવે પર શનિવારે (સાતમી ડિસેમ્બર) મોડી રાત્રે ટ્રક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત (Gandhinagar Accident) સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે યુવાનના મૃત્યુ નિપજ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પી.એમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.

કારના પતરા કાપી મૃતદેહને બહાર કાઢ્યા
મળતી માહિતી અનુસાર, ગાંધીનગરના લીંબડિયા નર્મદા મુખ્ય કેનાલ બ્રિજ નજીક મોડી રાત્રે પૂરપાટ દોડતી કાર ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બે યુવાનના ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યાં હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કારના પતરા કાપીને મૃતદેહ બહાર કાઢ્યા હતા.

આ લોકોના થયા મોત
વિજય કુમાર જાગેટિયા, દીપેશ રાજુભાઇ રમદાણીનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયાવહ હતો કે કારના પતરા કાપીને બંન્નેના મૃતદેહ બહાર કઢાયા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કારનો કુરચો વળી ગયો
અકસ્માતના પગલે મોટી સંખ્યામાં રાહદારી વાહન ચાલકો એકઠા થઈ ગયા હતા અને ગાડીમાં સવાર યુવાનોના મૃતદેહ બહાર કાઢવા માટે ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેનાં પગલે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. જોકે, અકસ્માત એટલો ભયાવહ હતો કે, કારનું પડિકુ વળી ગયું હતું અને કારમાં સવાર બંને યુવાનોના મૃતદેહ બહાર કાઢવા મુશ્કેલ ભર્યું કામ હતું.