સુરત લગ્નમાં ડોલીની જગ્યાએ ઉઠી અર્થી: વિદાયના બે દિવસ પહેલા કન્યાનું મોત, જાણો આખી ઘટના

Surat News: ખુશીના પ્રસંગે ઘણી વાર એવા પ્રસંગો થઈ જતા હોય, જેની લોકોએ ક્યારેય કલ્પના પણ કરી હોતી નથી. આવો જ એક કિસ્સોસુરતમાંથી સામે આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી (Surat News) તાવમાં પીડાતી યુવતીએ પીઠીના દિવસે એકાએક બેભાન થયા બાદ દમ તોડતાં પરિવાર માટે ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો હતો.

લગ્નના બે દિવસ પહેલાં યુવતીનું દુઃખદ મોત
મૂળ મહુવાના વતની અને ગોડાદરાના મણિભદ્રા કોમ્પ્લેક્સમાં રહેતા હકાભાઈ રાઠોડનો પરિવાર સમૂહલગ્ન માટે તૈયારીઓમાં વ્યસ્ત હતો. હકાભાઈની દીકરી કાજલના આજે (14 ડિસેમ્બર) આહીર સમાજ સેવા સમિતિ આયોજિત સમૂહલગ્નમાં લગ્ન થવાના હતા.

આ વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી કાજલ તાવથી પીડાઈ રહી હતી, જેમાં ગુરુવારે પીઠીની વિધિના દિવસે કાજલની તબિયત વધુ ખરાબ થતાં ઝાડા અને ઊલટી શરૂ થયાં હતાં. આ સ્થિતિમાં પરિવારજનો તેને તાત્કાલિક સ્મિમેર હોસ્પિટલ લઈ જઈ રહ્યાં હતાં, પરંતુ રસ્તામાં જ કાજલે દમ તોડ્યો હતો.

લગ્નગીતોની ધૂન શોકમાં પરિણમી
પરિવારમાં લગ્નના કારણે ખુશીઓનો માહોલ હતો અને લગ્નગીતોની ધૂન ગવાતી હતી, પરંતુ કાજલના અચાનક મોતથી સમગ્ર પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે. આ ઘટના અંગે પોલીસ દ્વારા અકસ્માત મોતની નોંધ કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ટપોટપ 5ના મોત
સુરત શહેરમાં છેલ્લા 36 કલાકમાં તાવથી પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે, જેમાં એક ચાર વર્ષની બાળકી અને દુલ્હન પણ સામેલ છે. છેલ્લા ત્રણ દિવસથી તાવમાં પીડાતી યુવતીએ પીઠીના દિવસે એકાએક બેભાન થયા બાદ દમ તોડતાં પરિવાર માટે ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો હતો.