હવે તો હદ થઈ! યુવકે જાતે જ પોતાની આંગળીઓ કાપી નાખી, જાણો સુરતનો અજીબોગરીબ કિસ્સો

Surat Crime News: સુરત શહેરના અમરોલી વિસ્તારમાં ચાર દિવસ પેહલા એક વ્યક્તિની ચાર આંગળી કપાઈ જવાનો રહસ્યમય મામલે મોટો ખુલાસો થયો છે. યુવકે જ પોતાના આંગળા કાપ્યા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી કાઢ્યો હતો. ફરિયાદીએ પોતે જ પોતાના ડાબા હાથની ચાર આંગળી નોકરી ધંધો કરવો ન પડે તે માટે કાપી નાંખી હતી અને સમગ્ર બનાવ (Surat Crime News) બાબતે ક્રાઇમ બ્રાન્ચને ગોટે ચઢાવી હતો. આખરે ક્રાઈમ બ્રાન્ચની કડક પૂછપરછ બાદ ફરિયાદી પડી ભાંગ્યો હતો અને તેણે પોતે જ આ કૃત્ય કર્યું હોવાની કબૂલાત કરી હતી.

જાણો સમગ્ર મામલો
સુરતમાં રહેતા અને એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતાં યુવકની ચાર આંગળી કપાઈ ગઈ હતી અને તેને ખબર પણ પડી નહોતી. આંગળી કપાયા બાદ તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે આગંળી કઈ રીતે કપાઈ તેની તપાસ શરૂ કરી હતી.સુરત શહેરના કતારગામ વિસ્તારની શ્રીજી સોસાયટીમાં રહેતો યુવક વ્યવસાયે એકાઉન્ટન્ટ છે. 8 ડિસેમ્બરની રાતે તેઓ મિત્રને મળવા રિંગ રોડ પર આવેલા વેદાંત સર્કલ પહોંચ્યા હતા.

આશરે એક કલાક રાહ જોયા બાદ પણ તેનો મિત્ર આવ્યો નહોતો. જે બાદ મિત્રએ તેને ફોન કરીને હાલ નહીં આવી શકે તેમ કહ્યું હતું.પોલીસે ઘટનાસ્થળથી લઈ 400 મીટર સુધીના વિસ્તારમાં તપાસ કરી હતી. પરંતુ પોલીસને લોહીનું એક ટીપું પણ મળ્યું નહોતું. આ ઉપરાંત આંગળી તે જગ્યાએ જ કપાઈ હોવાના કોઈ પુરાવા પણ મળ્યા નહોતા.

જાતે જ આ કૃત્ય કર્યું હોવાની કબૂલાત કરી
આ મામલે પોલીસ તાંત્રિક વિધિ અને અંગત અદાવતની દિશામાં તપાસ શરૂ કરી હતી. આ મામલો ગંભીર અને શંકાસ્પદ હોવાથી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો તપાસમાં જોડાઇ હતી. જેમાં બનાવના રૂટમાં આવતા સી.સી.ટી.વી. કેમેરાઓ તપાસવામા આવ્યા હતા.

તેમજ ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી આ બનાવમાં મયુર તારપરા પોતે સંડોવાયેલ હોવાનું જણાઇ આવતા તેની ઉંડાણપુર્વક પૂછપરછ કરવામાં આવતા તે ભાંગી પડ્યો હતો અને જાતે જ આ કૃત્ય કર્યું હોવાની કબૂલાત કરી હતી.