સુરત: અમેરિકામાં રહેતા વૃદ્ધની કરોડોની જમીન પર કબજો કરવાનો પ્રયાસ, 3 આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યા

Surat NRI News: સુરતમાં NRI વૃદ્ધના વિશ્વાસ સાથે રમત રમી અને સુરત શહેરની હદમાં આવેલ જમીન પચાવવાના ગુનાની ગંભીર ઘટના બહાર આવી છે. આ કેસમાં આરોપીઓએ ખોટા દસ્તાવેજો તૈયાર કરી અને બોગસ પાવર ઓફ એટર્ની દ્વારા કરોડો રૂપિયાના (Surat NRI News) વ્યવહારો કર્યા હતા. આ ઘટનાની ગંભીરતા જોતા ક્રાઇમ બ્રાંચના ઇકો સેલે તરત જ કાર્યવાહી હાથ ધરી છે અને ત્રણ આરોપીઓની અટકાયત કરી છે.

જાણ બહાર બોગસ દસ્તાવેજો બનાવ્યા
ફરિયાદી 82 વર્ષીય ઇશ્વરભાઇ ભીખાભાઇ પટેલ, જે હાલમાં, અમેરિકાના નિવાસી છે, તેમણે જણાવ્યું કે તેમની મગોબ ગામમાં બ્લોક નંબર 4 પૈકીના 2 પ્લોટની જમીન સાથે ખોટા દસ્તાવેજો બનાવી બોગસ પહોચ રસીદો અને પાવર ઓફ એટર્નીનો ઉપયોગ કરી વ્યવહારો કરવામાં આવ્યા છે.

આ આરોપીઓએ ફરિયાદીની આ જમીનનું વેચાણ દસ્તાવેજો રજીસ્ટર કરાવ્યા અને ખોટી રીતે તેમની જમીન પર કબજો મેળવવાનો પ્રયાસ કર્યો. આરોપીઓએ ફરીયાદીની જાણ બહાર દસ્તાવેજ પર ખોટી રીતે સહીઓ કરાવી હતી અને ખોટા કાગળો રજીસ્ટર કરાવ્યા હતા.

આ લોકોની કરવામાં આવી ધરપકડ
આ ગુનામાં પોલીસે ભરતભાઈ મનુભાઈ કોલડીયા,પુલભાઇ મોહનભાઇ કાકડીયા અને સંજયભાઇ વલ્લભભાઇ માંગુકીયાની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.તેમજ આ પ્રકરણમાં નાનજીભાઇ સતાણીની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે.

અરોપીઓ વિરુદ્ધ FIR દાખલ
સુરત DCB પોલીસ સ્ટેશનમાં IPC કલમ 406, 465, 467, 468, 471, 120B અને 34 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.