ટ્રાફિક નિયમ તોડનારાઓ માટે હર્ષ સંઘવીની ચેતવણી; દંડ વસૂલવાને બદલે થશો જેલ ભેગા

Traffic Rules: ગુજરાત સહિત દેશભરમાં જે પ્રકારે માર્ગ અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને ટ્રાફિક જાગૃતિ અંગે એક કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યનાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ગઇકાલે અમદાવાદમાં શૉર્ટ ફિલ્મ સ્પર્ધાનાં સત્કાર સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન, તેમણે સ્પર્ધાનાં વિજેતાઓને પ્રોત્સાહિત કર્યા હતા અને ટ્રાફિક વિભાગને (Traffic Rules) સફળ કાર્યક્રમ બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ટ્રાફિક પોલીસને ટકોર પણ કરી હતી. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે નાગિરકોમાં ટ્રાફિક નિયમોના પાલન અંગે જાગૃતિ ફેલાવવા 1 જૂનથી 30 જૂન 2024. દરમિયાન સ્પર્ધાનું આયોજન કર્યુ હતુ.

ટ્રાફિક વિભાગને ખાસ અભિનંદન પાઠવ્યા
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક ટ્રસ્ટનાં સંયુક્ત ઉપક્રમે આજે શૉર્ટ ફિલ્મ સ્પર્ધાનાં વિજેતાઓનો સત્કાર સમારોહ યોજાયો હતો, જેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં DGP, CP સહિતનાં પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં જવાનો હાજર રહ્યા હતા.

આ દરમિયાન, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પર્ધાનાં વિજેતાઓને પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કર્યા હતા. ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે, 450 લોકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો, ઉત્તમ દાખલા આપ્યા. આ પ્રકારનાં સફળ કાર્યક્રમ માટે ટ્રાફિક વિભાગને ખાસ અભિનંદન પાઠવું છું.

નિયમો તોડતા લોકોને ચલણ નહીં સીધા જેલ હવાલે કરો
હર્ષ સંઘવીએ કહ્યું કે, કોઈપણ ઘટનામાં સૌથી સરળ સ્ટેપ પોલીસની ટીકા કરવી હોય છે. જો કે, પૉક્સો કેસમાં પોલીસને ઝડપી ચાર્જશીટની સફળતા પ્રાપ્ત થઈ છે. ત્યારબાદ અમારો સ્ટેપ ટ્રાફિક બાબતે ઝડપી કામગીરીનો રહેશે.

આ સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્રાફિક પોલીસને ટકોર પણ કરી હતી. ટ્રાફિકનાં નિયમો મુદ્દે કડક કાર્યવાહીનાં આદેશ સાથે તેમણે કહ્યું કે, સિગ્નલ તોડતા, રોંગ સાઈડ આવતા લોકોનો ફાઈન ન કરો. નિયમો તોડતા લોકોને ચલણ નહીં સીધા જેલ હવાલે કરો. આવા લોકોને સ્લેટ પકડાવીને ફોટા પડાવો. ગૃહરાજ્યમંત્રીએ અમદાવાદ CP અને DGP ને વધુ કડક થવા આદેશ કર્યો હતો.