મંદી વચ્ચે મોંઘવારી મોઢું ફાડી તૈયાર: સાબુથી લઈ ચા પત્તી સુધી આ વસ્તુઓ થશે મોંઘી, જુઓ લિસ્ટ

Price Hike: નવા વર્ષમાં ફરી એકવાર મોંઘવારીનો સામનો કરવા તૈયાર થઇ જજો. દેશની અગ્રણી FMCG કંપનીઓ હિન્દુસ્તાન યુનિલિવર, ગોદરેજ કન્ઝ્યુમર, ડાબર, ટાટા કન્ઝ્યુમર, પાર્લે પ્રોડક્ટ્સ, વિપ્રો કન્ઝ્યુમર, મેરિકો, નેસ્લે અને અદાણી વિલ્મર ઉત્પાદનની (Price Hike) વધતી કિંમત અને કસ્ટમ ડ્યુટીમાં વધારાની ભરપાઈ કરવા સામાનના ભાવમાં વધારો કરવા જઈ રહી છે.

આ વસ્તુઓ થશે મોંઘી
કંપનીઓના આ નિર્ણયને કારણે નવા વર્ષમાં ચાની પત્તી, તેલ, સાબુ અને ક્રીમના ભાવમાં 5-20 ટકાનો વધારો થવાની સંભાવના છે. આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ખાદ્યતેલની આયાત પરની ડ્યૂટીમાં 22 ટકાનો વધારો થયો હતો અને આખા વર્ષમાં તેમાં 40 ટકાનો વધારો થયો હતો. ગયા વર્ષે 2023માં ખાંડ, ઘઉંનો લોટ અને કોફી જેવી ઘણી કોમોડિટીના ઉત્પાદન ખર્ચમાં વધારો જોવા મળ્યો હતો.

પાર્લે કંપનીની વસ્તુઓમાં પણ ભાવ વધારો
પારલેના વાઇસ પ્રેસિડેન્ટ મયંક શાહે આ સંદર્ભમાં વાતચીતમાં જણાવ્યું કે, અમે અમારી કંપનીના ઉત્પાદનોની કિંમતો વધારવા જઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે, આગામી વર્ષે કિંમત વધી જશે. અમે આશા રાખીએ છીએ કે તેનાથી ઉત્પાદનોની માંગ પર અસર નહીં થાય. આ સાથે પારલે તેના તમામ ઉત્પાદનોના પેકેજિંગને વધેલી કિંમતો સાથે પ્રિન્ટ કરવા માટે તૈયાર છે. રિટેલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ બિઝોમના તાજેતરના ડેટા અનુસાર, ગ્રામીણ ભાગોમાં માંગમાં વધારો થવાને કારણે દેશનો FMCG ઉદ્યોગ વાર્ષિક ધોરણે 4.3 ટકા વધ્યો હતો, જ્યારે નવેમ્બરમાં તે નીચા વેચાણને કારણે 4.8 ટકા ઘટ્યો હતો શહેરી અને ગ્રામીણ પ્રદેશોમાં માલના વેચાણમાં એક વર્ષ અગાઉની સરખામણીમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ટૂથપેસ્ટ અને મધ બનાવતી ડાબર કંપની પણ વધારશે ભાવ
હિન્દુસ્તાન યુનિલિવરે પણ સાબુ અને ચાના ભાવમાં વધારો કર્યો છે. ડાબરે હેલ્થકેર અને ઓરલ કેર પ્રોડક્ટ્સના ભાવમાં પણ વધારો કર્યો છે, જ્યારે નેસ્લેએ તેની કોફીની કિંમતમાં વધારો કર્યો છે. ટૂથપેસ્ટ અને મધ બનાવતી કંપની ડાબરના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર અંકુશ જૈને જણાવ્યું હતું કે, કંપનીએ કેટલીક પસંદગીની કેટેગરીમાં કિંમતોમાં વધારો કર્યો છે.

જેથી સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી વસ્તુઓના ભાવમાં વધારાથી લોકોને વધુ અસર ન થાય. કંપનીનું કહેવું છે કે તેમને આશા છે કે આ વધેલા ભાવની આગામી બે ક્વાર્ટરમાં શહેરી માંગ પર કોઈ ખાસ અસર નહીં પડે અને ગ્રાહકો આટલું પરવડી શકશે.