ગુજરાતીઓ ઠુંઠવાઈ જવા તૈયાર રહેજો: આગામી દિવસોમાં ક્યાં પડશે કાતિલ ઠંડી, ક્યાં મળશે રાહત?

Gujarat Cold Forecast: દેશના પર્વતીય વિસ્તારોમાં ફૂંકાઈ રહેલા બર્ફીલા પવનોની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. ઘણા જિલ્લાઓમાં કોલ્ડવેવની (Gujarat Cold Forecast) અસર જોવા મળી રહી છે. આજ સ્થિતિ, આગામી કેટલાક દિવસોમાં જોવા મળશે. આ સાથે જ IMDએ વરસાદને લઈને એલર્ટ આપ્યું છે.

અંબાલાલ પટેલે કરી આ આગાહી
હવામાન નિષ્ણાત, અંબાલાલ પટેલનું કહેવું છે કે, આજથી ઠંડી વધી શકે છે. સવારના સમયે ઠંડો પવન ફૂંકાશે. નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 23 અથવા 24 ડિસેમ્બરના રોજ એક્ટિવ થઈ શકે છે. આ સાથે જ બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા બનવાની સંભાવના છે. જેના કારણે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને પૂર્વી-દક્ષિણી રાજ્યોના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની અસર
IMD દ્વારા ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીની શરૂઆતમાં ભારે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં 26 ડિસેમ્બર પછી વાદળછાયું વાતાવરણ રહેશે. કચ્છ અને અમરેલીમાં ભારે ઠંડી પડી શકે છે.

IMDના જણાવ્યા પ્રમાણે, હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. કેટલાક જિલ્લાઓમાં ભારે ઠંડી પડી રહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની અસર છે, જે આગામી દિવસો સુધી જારી રહેશે. આ સાથે જ રાજ્યમાં વરસાદની પણ સંભાવના છે.

જાણો રાજ્યના શહેરોનું તાપમાન
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નલિયામાં સૌથી ઓછું 5.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે વડોદરામાં 15.0 ડિગ્રી, ડીસામાં 13.7 , અમરેલીમાં 11.0, રાજકોટમાં 9.4, ભુજમાં 11.3, અમદાવાદમાં 14.4 , સુરતમાં 16.4, કંડલા પોર્ટમાં 14.0, ભાવનગરમાં 14.0, દ્વારકામાં 15.0, વેરાવળમાં 14.7 અને ઓખામાં 18.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.