25 વર્ષ પહેલા ગુમ થયેલી માતાનો કરી દીધો હતો અંતિમ સંસ્કાર, પછી અચાનક એરપોર્ટ પર જીવતી દેખાતા…

Karnataka News: કર્ણાટકના બેલારીમાં રહેતી એક મહિલા 25 વર્ષ પહેલા પતિ અને ચાર બાળકોને છોડીને ક્યાંક ચાલી ગઈ હતી. પરિવારજનોએ તેને ખૂબ શોધી પરંતુ મહિલાનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ મહિલા માનસિક રીતે બીમાર હતી. ઘરના લોકોએ કોઈ દુર્ઘટનાની (Karnataka News) આશંકાને લીધે તેને મૃત માની લીધી હતી. તેના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા હતા. પરંતુ એક દિવસે અચાનક 25 વર્ષ બાદ મહિલા પોતાના પરિવાર સાથે બીજી વખત મળી. આ આખી ઘટના એક ફિલ્મની સ્ક્રીપ્ટ જેવી છે.

સકમમાંના લગ્ન નાગેશ સાથે થયા હતા. તેને ચાર બાળકો પણ થયા. તેમાંથી એકનું મૃત્યુ થઈ ગયું હતું. એક દિવસ અચાનક સકમમા ઘરેથી નીકળી અને ટ્રેનમાં ચડી ગઈ. તે ફરતા ફરતા હિમાચલ પ્રદેશના મંડી જઈ પહોંચી. અહીંયા તે ગુમનામીનું જીવન જીવવા લાગી. વર્ષ 2018 માં સક્મમાં બિન વારસી હાલતમાં મળી. તેમને સ્થાનિક વૃદ્ધાશ્રમમાં રાખવામાં આવ્યા.

હાલના સમયમાં આ મહિલા ભંગરોટુ વૃદ્ધાશ્રમમાં રહે છે. મંડીના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે પ્રશાસનિક અધિકારી સમયે આવા તમામ વૃદ્ધાશ્રમોની મુલાકાત લે છે અને તેમની સુવિધાનો ખ્યાલ રાખે છે. ગઈ 18 ડિસેમ્બરના રોજ મંડીના આસિસ્ટન્ટ ડેપ્યુટી કમિશનર રોહિત રાઠોડ જ્યારે ભંગરોટુ વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા તો તેમણે આ મહિલાને જોઈ. તેમણે જાણ્યું કે 70 વર્ષની મહિલાને હિન્દી નથી આવડતું અને તે કર્ણાટકની છે.

પાલમપુર કલેકટર પાસેથી મદદ લીધી
મંડીના સરકારી અધિકારી રોહિત રાઠોડએ સકમમાં સાથે કન્નડ ભાષામાં વાત કરવા માટે પાલમપુરની કલેકટર નેત્રા મૈતીની મદદ લીધી. નેત્રા કર્ણાટકની રહેવાસી છે. તેણે કન્નડ ભાષામાં આ મહિલા સાથે વાતચીત કરી તેના ઘર અને પરિવાર વિશે જાણકારી મેળવી. ત્યારબાદ નેત્રાએ મંડી જિલ્લામાં કાર્યરત કર્ણાટકના રહેવાસી આઇપીએસ રવિ નંદનને ભંગરોટુ વૃદ્ધાશ્રમમાં મોકલ્યા હતા. તેમણે આ મહિલા સાથે વાતચિતનો એક વિડીયો બનાવી તેને કર્ણાટક સરકાર સાથે શેર કર્યો હતો.

મહિલાના પરિવારની શોધખોળ
મંડીના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે હિમાચલ પ્રદેશ સરકાર અધિકારીઓ અને કર્ણાટક સરકારના સહયોગથી આ મહિલાના પરિવારજનોને શોધી કાઢવામાં આવ્યા છે. પરિવારના લોકો 25 વર્ષ પહેલા જ આ મહિલાને મૃત સમજી તેના અંતિમ સંસ્કાર કરી ચૂક્યા હતા. પરિવારે આ મહિલાની ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યારબાદ કર્ણાટકમાં એક દુર્ઘટનામાં કોઈ મહિલાની લાશ મળી આવી હતી. તેનો ચહેરો ઓળખાતો ન હતો. પોલીસે પરિવારજનોને આના વિશે જાણકારી આપી. પરિવારજનોએ તેની માતાને મૃત સમજી તેના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા.

માતાને જોઈ રડી પડ્યા દીકરાઓ
આ મહિલાની માનસિક પરિસ્થિતિ સારી નથી. તેને ૨૫ વર્ષ પહેલાંની વાતો જ યાદ છે અને તે કન્નડ ભાષામાં એ જ કહે છે કે તેના નાના નાના ત્રણ બાળકો છે. તેઓને એ નથી ખબર કે તેમના નાના નાના બાળકો હવે માતા-પિતા બની ચૂક્યા છે. આ મહિલાને કુલ ચાર બાળકો હતા તેમાંથી હાલ ત્રણ બાળકો જીવિત છે. તેમાંથી બે દીકરા અને એક દીકરી છે. આ તમામ લોકોના લગ્ન થઈ ચૂક્યા છે.

કર્ણાટક સરકારે આ મહિલાને મંડીથી પાછી લાવવા માટે ત્રણ અધિકારીઓને ત્યાં મોકલ્યા હતા. ત્યારબાદ આ મહિલાને પાછી કર્ણાટક લાવવામાં આવી હતી. વિક્રમ, બોધરાજ અને લક્ષ્મી જે સકમ્માંના બાળકો છે, તેમણે કહ્યું કે જેવી એરપોર્ટ પર તેમણે પોતાની માતાને જોઈ તો તેમને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો હતો. ત્રણે બાળકો માતાને ભેટી પડ્યા હતા. ત્રણેયની આંખોમાંથી ખુશીના આંસુઓ નીકળી રહ્યા હતા. હવે આ મહિલા દાદી અને નાની બની ચુકી છે. પરિવારને પાછો મેળવી તે પણ ખૂબ ખુશ છે.