અમદાવાદના ફ્લાવર શોનો ડંકો વિશ્વભરમાં વાગ્યો: ગિનીસ બુક ઓફ વર્લ્ડ રોકર્ડમાં ફરી મળ્યું સ્થાન

Ahmedabad Flower Show 2025: ફરી એક વખત અમદાવાદનું નામ આંતરરાષ્ટ્રીય ફલક પર ઝળહળતું થયું છે. અમદાવાદના ફ્લાવર શોને સતત બીજા વર્ષે ગિનિસ બુક ઓફ વલ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. લોંગેસ્ટ બુકે માટે ગિનિસ બુક ઓફ વલ્ડ રેકોર્ડમાં (Ahmedabad Flower Show 2025) સ્થાન મળ્યું છે. 10.30 મીટરથી વધુ મોટો બુકે બનાવ્યો છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે લોંગેસ્ટ ફ્લાવર વોલ માટે એવોર્ડ મળ્યો હતો.

રૂપિયા 15 કરોડના ખર્ચે ફ્લાવર શોનું આયોજન
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય ફ્લાવર શોની શરૂઆત 3 જાન્યુઆરીથી થઈ ચૂકી છે અને લોકો મોટી સંખ્યામાં ફ્લાવર શો 2025 જોવા માટે ઉમટી રહ્યા છે. રજાના દિવસ શનિવાર-રવિવારે તો મોટા પ્રમાણમાં લોકોની ભીડ જોવા મળે છે અને ભારે ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાય છે. ઉલ્લેખનીય છે કે અંદાજે રૂપિયા 15 કરોડના ખર્ચે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે.

સહેલાણીઓ પણ ફ્લાવરો શો જોવા પહોંચી રહ્યા છે અને ફોટોગ્રાફી કરીને મજા માઈ રહ્યા છે. શનિવાર-રવિવાર માટે ફ્લાવર શોની ટિકિટ 100 રૂપિયા નક્કી કરવામાં આવેલી છે. ફ્લાવર શોમાં વિવિધ સ્કલ્પચર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ફ્લાવર શોને 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે અને 400 ફૂટની ક્રેનિયલ વોલ આ વર્ષે આકર્ષણનું કેન્દ્ર બની છે.

પ્રથમ 2 દિવસમાં AMCને રૂપિયા 54.30 લાખની આવક થઈ
જણાવી દઈએ કે AMC દ્વારા સાબરમતી રિવરફરન્ટ પર નાગરિકો માટે ખુલ્લા મૂકાયેલા ફ્લાવર શોના પ્રથમ 2 દિવસ દરમિયાન કુલ 58,370 વિઝીટર્સે મુલાકાત લીધી હતી અને 2 દિવસ દરમિયાન AMCને કુલ 54.30 લાખની આવક થઈ છે. ફ્લાવર શોની મુલાકાત લેનાર 54,000થી વધારે મુલાકાતીઓ પૈકી વ્યક્તિ દીઠ રૂપિયા 100ની ટિકિટ ખરીદીને ફ્લાવર શોની મુલાકાત લેનાર VIP કેટેગરીમાં 1,199 વિઝીટર્સનો સમાવેશ થાય છે અને VIP કેટેગરીમાં રૂપિયા 6,33,750ની આવક નોંધાઈ છે. પ્રથમ દિવસ રૂપિયા 16.30 લાખની આવક થઈ હતી તો બીજા દિવસે રાત્રે 9 વાગ્યા સુધીમાં 37,356 વિઝીટર્સે મુલાકાત લીધી હતી અને રૂપિયા 37,99,240ની આવક થઈ હતી. આમ 2 દિવસમાં રૂપિયા 54,29,690ની આવક AMCને થઈ છે.

વિશ્વના સૌથી મોટા ફ્લાવર બૂકે તરીકે સ્થાન પ્રાપ્ત થયું
આની પહેલા આ રેકોર્ડ યુનાઇટેડ આરબ એમિરેટસની અલ-એઇન મ્યુનિસિપાલિટી પાસે હતો. આ એવાર્ડ 7 બાય 7 મીટરના ફ્લાવર સ્ટ્રક્ચર માટે 18 ફેબ્રુઆરી 2024 ના રોજ એનાયત કરવામાં આવેલ. ત્યારે ગઈકાલે તારીખ 7 જાન્યુઆરી, 2025 ના રોજ ગિનિસ બૂકની ટીમ દ્વારા કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ 10.24 મીટર હાઇટ અને 10.84 મીટર ત્રિજ્યા વાળા ફ્લાવર બૂકેને વિશ્વના સૌથી મોટા ફ્લાવર બૂકે તરીકે સ્થાન પ્રાપ્ત થયું.