એ…કાપ્યો છે! હવામાન વિભાગે કરી પતંગ રસિયાઓ માટે આગાહી, જાણો ઉત્તરાયણમાં કઈ દિશામાં પવન હશે

MakarSankranti 2025: આગામી અઠવાડિયે રાજ્યનું હવામાન કેવું રહેશે તેના પર સૌ કોઈની નજર છે, કારણ કે આગામી અઠવાડિયે ઉત્તરાયણની (MakarSankranti 2025) ઉજવણી કરવામાં આવશે અને તે દરમિયાન હવામાન કેવું રહે છે તે મહત્વનું રહેતું હોય છે. એક તરફ રાજ્યના હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ત્યારે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર એકે દાસ દ્વારા આજથી 7 દિવસ માટે રાજ્યનું હવામાન સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે, એટલે કે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી નથી. આ સાથે ઠંડીના જોરમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાન ઊંચું આવતા નલિયામાં મોટો ફેરફારો નોંધાઈ ગયો છે.

ઘુત્તમ તાપમાન 2-4 ડિગ્રી સેલ્સિયસ ઘટવાની સંભાવનાઓ
હવામાન વિભાગે 7 દિવસ રાજ્યનું હવામાન સૂકું રહેવાની આગાહી કરીને જણાવ્યું છે કે, રાજ્યનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે અને લઘુત્તમ તાપમાન આગામી 24 કલાકમાં 2-3 ડિગ્રી ઊંચું જવાની શક્યતાઓ છે પરંતુ તે પછી લઘુત્તમ તાપમાન 2-4 ડિગ્રી સેલ્સિયસ ઘટવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે,

એટલે કે ઉત્તરાયણ દરમિયાન ઠંડીનો અનુભવ થશે.તેમણે આગળ જણાવ્યું કે, હાલ પવનની દિશા પૂર્વથી દક્ષિણ-પૂર્વની છે. રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાયું છે, જે 11.4 ડિગ્રી સેલ્સિયસ છે. જ્યારે અમદાવાદમાં 15.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ સાફ રહેવાની સંભાવનાઓ છે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસાપાસ રહેવાની સંભાવનાઓ છે.

લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવનાઓ
દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પાસે એક સાઈક્લોનિક સર્ક્યુલેશન છે અને પવનની દિશા પૂર્વથી દક્ષિણ પૂર્વની છે જેની અસરથી લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. જોકે, આ પછી ફરી રાજ્યના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવનાઓ છે.14-15 તારીખ દરમિયાન પવનની ગતિ 10-15 કિલોમીટર પ્રતિકલાક રહેવાની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલની સંભાવનાઓ પ્રમાણે પવનની દિશા પૂર્વથી દક્ષિણ-પૂર્વની રહી શકે છે. જોકે, 13 તારીખે આ અંગે વધુ માહિતી આપવામાં આવશે.