પિકઅપ વાહન અને લોખંડ ભરેલ ટ્રક વચ્ચેની ટક્કરમાં 8ના મોત, અનેક લોકો ઘાયલ

Maharashtra Accident: મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના દ્વારકા સર્કિલમાં રવિવારે એક ટેમ્પો અને ટ્રકની ટક્કરમાં આઠ લોકોના મોત થઈ ગયા અને ઘણાં લોકો ઘાયલ થયા છે. એક પોલીસ અધિકારીએ આ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, આ ઘટના સાંજે સાડા સાત વાગ્યે (Maharashtra Accident) અયપ્પા મંદિર નજીક સર્જાઈ હતી. તેમણે જણાવ્યું કે, ટેમ્પોમાં 16 મુસાફરો સવાર હતા, જે સિડકો વિસ્તારમાં જઈ રહ્યાં હતા. તે નિફાડમાં એક ધાર્મિક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યાં હતા.

8 લોકોના થયા મોત
પોલીસે જણાવ્યું કે, ટેમ્પો ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ લોખંડના સળિયા ભરી જતા ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. દુર્ઘટનામાં કેટલાક લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે કેટલાકની હાલત ગંભીર છે. તેમણે જણાવ્યું કે, પોલીસ અને ફાયર વિભાગના કર્મચારીઓએ ગીચતા વાળા વિસ્તારમાં લોકો સાથે મળીને તરત બચાવ કામગીરી શરૂ કરી હતી.

અધિકારીએ જણાવ્યું કે, ઘાયલોને જિલ્લા હોસ્પિટલે અને કેટલાકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. પોલીસ અને આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે, મૃતકોની સંખ્યા વધી શકે છે. કેમ કે હજુ કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ છે.

મૃત્યુનો આંકડો વધવાની શક્યતા
ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કર્યું હતું. અકસ્માત સ્થળ ભીડભાડવાળો વિસ્તાર હતો, જેના કારણે બચાવ કાર્યમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને જિલ્લા હોસ્પિટલ અને નજીકની ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઇજાગ્રસ્તોમાંથી કેટલાકની હાલત ગંભીર છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની શક્યતા છે.

ડ્રાઈવરે કાબુ ગુમાવતા બની દુર્ઘટના
શરૂઆતની પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, ટેમ્પો ચાલકે વાહન પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે આ અકસ્માત થયો હતો. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને ટ્રક ડ્રાઈવરની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. વહીવટીતંત્રે મૃતકોના પરિવારજનોને શક્ય તમામ મદદની ખાતરી આપી છે. આ ઉપરાંત ઇજાગ્રસ્તોની સારી સારવાર માટે એક ખાસ ટીમ પણ તહેનાત કરવામાં આવી છે.