લવજી બાદશાહનો તાપી માતાના ચીરહરણનો તમાશો જોવા પક્ષ, વિપક્ષના નેતાઓ સહીત ક્લાસ વન ઓફિસરોનો મેળાવડો

Surat Lavji Badshah Marriage: સુરત શહેરમાં આજકાલ એક શાહી લગ્નએ ખૂબ ચર્ચાનું જોર પકડ્યું છે. સુરત શહેરના નામાંકિત બિલ્ડર લવજીભાઈ ડાલીયા ઉર્ફે બાદશાહના (Surat Lavji Badshah Marriage) પુત્રનો લગ્ન સમારોહ વિવાદનું ઘર બની ગયું છે. આ લગ્ન સમારોહ માટે તાપી નદીની અંદર મંચ બનાવ્યો છે. તેની ઉપર લગ્ન થઈ રહ્યા છે. એવામાં સ્થાનિક તંત્ર ત્યાં મુજરો કરતા જોવા મળ્યા છે. એવામાં હવે આ મામલો એનજીટીમાં પહોંચી શકે છે.

સુરત શહેરમાં જાણીતા બિલ્ડર લવજીભાઈ ડુંગરજીભાઈ ડાલીયા ઉર્ફે બાદશાહના પુત્રના લગ્નનું આયોજન થઈ રહ્યું છે. પોતાના પૈસાનું પ્રદર્શન કરવા માટે જાણીતા બનેલા બાદશાહે વટ પાડી દેવા માટે તાપી નદીમાં લગ્ન સમારોહનું સ્ટેજ બનાવ્યું છે. ફક્ત નદીમાં જ નહીં પરંતુ તેના પાળા પર પણ દબાણ કરનાર સામે સરકારી તંત્ર તૂટી પડતું હોય છે. નિયમના નામે અને સુપ્રીમ કોર્ટના આદેશના પગલે ધાર્મિક સ્થળો કે જેની સાથે લોકોની ભાવનાઓ જોડાયેલી હોય છે એવા મંદિરને પણ આ લુચ્ચા અધિકારીઓ છોડતા નથી.

પરંતુ બાદશાહ માટે સરકારી તંત્ર તેનું નોકર બની ગયું હોય એવું લાગી રહ્યું છે. દરબારમાં જ્યારે શાસક પક્ષ અને વિપક્ષ પણ લગ્નની મોંઘીદાટ ડીશો ઝાપટવા માટે પહોંચી જતા હોય તો પછી કોના બાપની હિંમત થાય કે નોટિસ આપે.

સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે કે બાદશાહ એટલો શક્તિશાળી બની ગયો છે કે એના બોલ કેટલાક મંત્રીઓ નીચે પડવા દેતા નથી. એ જે અધિકારી નું નામ કહે તે અધિકારીને તે પોસ્ટ પર મૂકવામાં આવે છે. એટલા માટે તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

આવી સ્થિતિમાં તાપી નદીમાં ગેરકાયદે ઊભા કરાયેલા લગ્નમંચ મામલે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ(NGT) માં ફરિયાદ એક જાગૃત નાગરિક દ્વારા થઈ શકે તેમ છે. આ અગાઉ પણ આવી ફરિયાદ આર્ટ ઓફ લિવિંગના શ્રી રવિશંકર વિરુદ્ધ થઈ હતી. તેનો જવાબ પણ તેઓને કોર્ટમાં આપવો પડ્યો હતો.

અત્રે એ વાત પણ ઉલ્લેખ કરીએ છીએ કે કોરોના કાળમાં સામાન્ય લોકોના લગ્ન સમારોહમાં ફક્ત 50 માણસોની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ લવજી બાદશાહ એ તે સમયે પણ મોટા પાયે લગ્નનું આયોજન કર્યું હતું. ત્યારે પણ તંત્રએ લવજી બાદશાહનું કંઈક ઉખાડી શક્યું ન હતું. હવે જોવું રહ્યું કે આ મામલે તંત્ર લવજી બાદશાહ પર શું પગલાં ભરે છે.