ગુરુવાર બન્યો કાળમુખો: જામનગરમાં કારચાલકે કાબુ ગમાવતા 3 લોકોના મોત, 2 ઇજાગ્રસ્ત

Jamnagar Accident: એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે, જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામ પાસે આજે વહેલી સવારે એક અકસ્માત સર્જાયો હતો. કારચાલકે કાર પરનો કાબુ ગુમાવી દેતા કાર પલટી ગઈ હતી. જેમાં કારમાં મુસાફરી કરી રહેલ પાંચ વ્યક્તિઓમાંથી (Jamnagar Accident) ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. અને અન્ય બે વ્યક્તિને ખૂબ ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કાર પલટી મારીને રોડની સાઈડમાં ખાડામાં પડી
આ ગંભીર અકસ્માત વિશે મળતી માહિતી મુજબ જામનગર અને રાજકોટના પાંચ મિત્રો એક વેરના કાર લઈને લતીપર ગામમાં એક લગ્ન પ્રસંગમાં આવ્યા હતા. જ્યાં રાત્રે રાસ ગરબાનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નાસ્તો કરવા માટે ગયા હતા. નાસ્તો કરી પાછા ફરતી વખતે ગોકુળપુર નજીક કાર ચાલકે ગાડી પરનો કાબુ ગુમાવી દીધો હતો. કાબુ ગુમાવતા આકાર પલટી મારીને રોડની સાઈડમાં આવેલા ખાડામાં ખાબકી હતી.

પાંચમાંથી ત્રણના ઘટના સ્થળે મોત
કાર ખાડામાં પડતા જ આજુબાજુ રહેલા લોકો ભેગા થઈ ગયા હતા, તેમણે પોલીસને આ ઘટના વિશે જાણ કરી હતી. ઘટના સ્થળે એમ્બ્યુલન્સ આવી હતી. પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર રહ્યા હતા. આ ગંભીર અકસ્માતમાં ઋષિ મુકેશ ચભાડિયા, ધર્મેન્દ્ર રામદેવ ઝાલા, વિવેક દિનેશ પરમાર આ ત્રણ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે અન્ય બે યુવકો ઘાયલ થયા હતા તેને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે પાસેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મૃતદેહો બહાર કાઢવા કારના પતરા કાપવા પડ્યા
પોલીસે પ્રાથમિક માહિતી આપતા જણાવ્યું હતું કે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવવાને કારણે આ દુર્ઘટના સર્જાય છે. વધુ તપાસ ચાલી રહી છે. અકસ્માત થવાને લીધે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જાયો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનું પડીકું વળી ગયું હતું. એટલી હદ સુધી કે મૃતદેહોને બહાર કાઢવા માટે કારના પતરા કાપવા પડ્યા હતા.