સુરતના આ ખેડૂતનું અનોખું સાહસ: કોઠા સૂઝ વાપરી 2 વીઘામાંથી વર્ષે કરે છે 8-10 લાખની કમાણી

Surat Nero Farming: પ્રકૃતિને ખીલવતી પ્રાકૃતિક ખેતી અપનાવી અનેક ખેડૂતોને સમૃદ્ધિની દિશા મળી છે.
કૃષિ અને ઋષિની સંસ્કૃતિ ધરાવતાં ભારતવર્ષમાં આજે પ્રાકૃતિક ખેતીએ મિશન મોડમાં વેગ પકડ્યો છે. વાત છે એક એવા ખેડૂતની કે, જેણે પ્રાકૃતિક ખેતી (Surat Nero Farming) સાથે ફ્યુચરિસ્ટિક ફાર્મિંગને જીવનનું મુખ્ય ધ્યેય માની લીધું છે અને આવનાર પાંચ-દસ વર્ષનું આયોજન કરીને આઠ વીઘામાં 3500 ખજૂરીનું વાવેતર કરીને વર્ષ 2026માં આરોગ્યવર્ધક પીણું નીરોની વિદેશમાં નિકાસ કરીને ડોલરમાં કમાણી કરવાનું સપનું સેવ્યું છે.

3500 ખજૂરીનું વાવેતર કરીને ડોલરમાં કમાણી કરશે આ ખેડૂત
આ ખેડૂત છે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉંભેળ ગામના હેમંતભાઈ હસમુખભાઈ પટેલ, જેમણે પ્રાકૃતિક ખેતીમાં પણ એક કદમ આગળ વધીને ‘ફ્યૂચરિસ્ટીક ફાર્મિંગ’ અપનાવ્યું છે. સાથોસાથ તેઓ માત્ર બે વીઘામાં ગાર્ડન લોન અને ક્રિકેટ પીચ લોન (ઘાસ)નું વાવેતર કરી તેના વેચાણ થકી વર્ષે દહાડે રૂા.8 થી 10 લાખની આવક મેળવી રહ્યા છે.ફાર્મિંગ ક્ષેત્રે મોટા પાયે પ્રયોગ કરતા સાહસિક ખેડૂત હેમંતભાઈ પટેલે કહ્યું કે, હું છેલ્લા 35 વર્ષથી ખેતી સાથે સંકળાયેલો છું. 11 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી થકી શેરડી, ઘઉં, ચણા, શાકભાજી, ફ્રુટ જેવા પાકોની મિશ્ર પાક સહજીવન પદ્ધતિ થકી ખેતી કરૂ છું. ઓર્ગેનિક ખેતી સાથે ખેતરના શેઢે 50 નાળીયેરીની બોર્ડર કરી છે અને તેની સાથે 50 સરગવાનું પણ વાવેતર કર્યું છે. આ સાથે ઘણા પ્રકારના શાકભાજી વાવીએ છીએ.

એક જ સિઝનમાં સારી આવક મેળવી
જેમાં બ્રોકલી લેટેસ્ટ, કોબીજ, ફુલાવર, પરવળ, ભીંડા, દૂધી, સરગવો, ફણસી, પાલક, કારેલા, મૂળા, ગાજર, ટામેટા, મરચી, હળદર, કંટોલા, ડ્રેગન ફ્રુટ, કેળા, દાડમ, ચીકુ, જામફળ, સીતાફળ, કમરખ, પાઈનેપલ, અંજીર, આંબળા, મોસંબી, સંતરા અને પપૈયા જેવા ફળના 12થી 13 પાકો છે. સાથે 10 વર્ષ પહેલા ખેતરના શેઢે 10 ખજૂરી વાવી હતી. જેમાં છેલ્લા ચાર વર્ષથી શિયાળામાં નીરાનું ઉત્પાદન શરૂ થવાથી માત્ર એક જ સિઝનમાં સારી આવક મેળવી એટલે આવનાર પાંચ-દસ વર્ષનો વિચાર કરીને આઠ વીઘામાં 3500 ખજૂરીના વાવેતર કર્યું છે.

નીરાની વિદેશમાં નિકાસ કરીને ડોલરમાં કમાણી
વધુમાં હેમંતભાઈ કહ્યું હતું કે, શિયાળામાં શરીરને સ્વસ્થ રાખવા નીરો એક ઉત્તમ સ્વાસ્થ્યવર્ધક પીણું છે. 3500 ખજૂરીમાંથી વર્ષ 202૬માં ઉત્પાદન શરૂ થશે એટલે તેમાંથી રોજનું ત્રણ હજાર લીટર નીરાનો ઉતારો આવશે. નવેમ્બરથી શિયાળો પૂર્ણ થાય ત્યાં સુધી મળે છે. તેનું મૂલ્યવર્ધન કરીને તેનું પ્રોડક્ટ્સ બનાવીને નીરાની વિદેશમાં નિકાસ કરીને ડોલરમાં કમાણી કરવાનો વિચાર કર્યો છે. એટલે તેની અંદાજિત કિંમત 60 રૂપિયા લેખે રોજની એક લાખ એંસી હજારની આવક મળી રહેશે અને આ નીરાનું પ્રોડકશન એક સિઝનમાં 120થી 150 દિવસ સુધી ચાલતું હોય છે એમ તેમણે ઉમેર્યું હતું.

વાર્ષિક 8થી 10 લાખની આવક માત્ર બે વીઘા માંથી મળે છે
હેમંતભાઈએ બે વીઘા ખેતરમાં સિલેક્શન વન અને અમેરિકન બ્લ્યુ વેરાયટીની લોનનું ગાર્ડનની લોનનું વાવેતર કર્યું છે એમ જણાવી હેમંતભાઈએ ઉમેર્યું કે, સિલેક્શન વન વેરાયટી એ ક્રિકેટ ગ્રાઉન્ડ માટે તેમજ અમેરિકન બ્લ્યુ એ ગાર્ડનિંગ માટે સુરત સહિત નવસારી, બારડોલી, ચીખલી, વલસાડ સહિતના વિસ્તારોની નર્સરીમાં સપ્લાય કરીએ છીએ. જેમાંથી વાર્ષિક 8થી 10 લાખની આવક માત્ર બે વીઘા માંથી મળે છે. આ સાથે શેરડીનું વાવતેર પણ કર્યું હતું, જેમાં ગત વર્ષે માર્ચ મહિનામાં મલ્ચીંગ કરવાથી ઓછા પાણીમાં સારી ગુણવત્તાની શેરડી ઉત્પાદિત કરી શકાય છે. મલ્ચીંગ કરવાથી જમીનમાં ભેજનું પ્રમાણ પણ જળવાઈ રહે છે.

અન્ય ખાતરની જરૂર પડતી નથી
પ્રાકૃતિક ખેતીમાં મિશ્ર પાક સહજીવનની પદ્ધતિ સમજાવતા હેમંતભાઈ કહે છે કે, જમીનમાં એક પાકને જોઈતા પોષક તત્વો ઘણીવાર બીજા પાક દ્વારા પણ મળતા હોય છે ત્યારે એ બંને પાકોને જો સાથે જ વાવી અને તેનો ઉછેર કરવામાં આવે તો બંનેને એકબીજાને જોઈતા પૂરક પોષક તત્વો મળી રહે છે. આ માટે કોઈપણ પ્રકારના અન્ય ખાતરની જરૂર પડતી નથી, માત્ર છાણનું ખાતર પૂરતું છે.

‘સ્ટોક માર્કેટ કરતા પણ સારી આવક મળે છે’
હેમંતભાઈના પુત્ર જયભાઈએ કહ્યું હતું કે, પિતા સાથે હું પણ આધુનિક ખેતીમાં મદદરૂપ થઈ રહ્યો છું. અન્ય વ્યવસાયથી પણ ખેતીમાં વિશેષ કમાણી છે એવું મારૂ માનવું છે. મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક માર્કેટ, રિયલ એસ્ટેટથી પણ વધુ અર્નિંગ ખેતીમાં થશે. લાંબા ગાળાના રોકાણમાં મ્યુચ્યુઅલ ફંડમાં વાર્ષિક છથી આઠ ટકાની આવક મળે છે.સ્ટોક માર્કેટમાં પણ લાંબા ગાળાનું રોકાણ કરીએ તો દસથી બાર ટકા કે તેનાથી વધુ 15થી 18 ટકા સુધીનો ગ્રોથ જોવા મળે છે. આ સાથે રિયલ એસ્ટેટમાં રોકાણ કરીએ તો વાર્ષિક ત્રીસથી ચાલીસ ટકા જેટલી વૃદ્ધિ થાય છે એ પણ સારુ માર્કેટ હોય તો, જ્યારે આ બધા જ વ્યવસાયથી પરે થઈને ખેતીમાં સો ટકાથી પણ વધુ અર્નિંગ થઈ રહી છે એમ હું માની રહ્યો છું. ઉચ્ચગુણવત્તાયુક્ત ઓર્ગેનિક ખેત પેદાશની બહું જ માંગ છે, એ જોતાં ડોલરની કમાણી ગણીએ એટલે એક વર્ષમાં જ રોકાણની અનેક ગણી આવક મળી રહે છે.