આવાસ યોજનાનું મકાન ભાડે આપ્યું તો ખેર નહીં! આ શહેર મનપાએ 9 ફ્લેટ કર્યા સીલ

Rajkot Housing Scheme: રાજકોટ મનપા દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાય લઈને શહેરમાં ઠેર-ઠેર ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકો માટેનાં આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જોકે આ આવાસ યોજનાનાં ક્વાર્ટર મળ્યા બાદ અમુક લાભાર્થી પોતાના આવાસ (Rajkot Housing Scheme) ભાડે પણ આપતા હોય છે. આ બાબત ધ્યાનમાં આવતા તમામ આવાસોમાં સઘન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે.જેમાં શ્રી રામ ટાઉનશીપમાં 3 અને શ્રી જીજાબાઈ ટાઉનશીપમાં 6 ફ્લેટ માલિકો સામે મનપા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આવાસનું ભાડું ખાતા લોકો પર કાર્યવાહી
પ્રાપ્ત વિગત મુજબ અનેક મુળ લાભાર્થીઓ દ્વારા તેમને લાગેલા આવાસ ધંધાદારી માલિકની જેમ ભાડુતોને આપવાનો ધંધો કરતા હોય છે. આથી આવા આવાસ ખાલી કરાવવા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજકોટ મહાપાલિકાની આવાસ યોજના શાખા દ્વારા જે તે ક્વાર્ટરમાં લાભાર્થીના બદલે ભાડુતો રહેતા હોય તેવી જગ્યાએ કડક ચેકીંગ ચાલુ રાખવામાં આવ્યું છે.

દરમિયાન શ્રી રામ ટાઉનશીપમાં 3 અને શ્રી જીજાબાઈ ટાઉનશીપમાં 6 ફ્લેટ માલિકો સામે મનપા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જ્યારે બીજી તરફ કેટલાક લાભાર્થીઓએ આવાસો રોકાણ માટે લીધા હોવાનું પણ સામે આવ્યું છે.

ક્વાર્ટર ભાડે આપવાનું કૌભાંડ કરનારાઓમાં ફફડાટ
જેમાં કોર્પોરેશન દ્વારા નાના મવા ચોકમાં આવેલી BSUP આવાસ યોજનામાંથી 4 ભાડુત પકડાતા તેને સીલ મારી દેવામાં આવ્યા હતા. રેલનગરની ચંદ્રશેખર આઝાદ ટાઉનશીપમાં 1, દયાનંદ સરસ્વતી ટાઉનશીપમાં 11 અને લોકમાન્ય તિલક ટાઉનશીપ ખાતેનાં 4 ક્વાર્ટરમાંથી પણ ભાડુતો પકડાયા હતા.

જેને લઈને તમામ મળી કુલ 20 આવાસને સીલ મારી દેવામાં આવ્યા હતા. ભવિષ્યમાં આવી અનિયમિતતા સતત પકડાય તેમના આવાસ રદ્દ કરી નાખવાની વિચારણા પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. જેને લઈને આવાસ યોજનાનાં ક્વાર્ટર ભાડે આપવાનું કૌભાંડ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.