ખો-ખો વર્લ્ડકપમાં ઝળકી ગુજરાતની દીકરી: વડોદરા એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત

Kho-Kho World Cup: ભારતીય મહિલા ટીમે રવિવારે ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં નેપાળને હરાવી પ્રથમ ખો-ખો વિશ્વકપ જીત્યો છે. પ્રિયંકા ઝાંગલેના નેતૃત્વવાળી ભારતીય ટીમે ફાઈનલમાં નેપાળને 78-40થી પરાજય આપ્યો હતો. ખો-ખોમાં વિશ્વ વિજેતા બનેલી ભારતીય ટીમમાં (Kho-Kho World Cup) એક ગુજરાતી ખેલાડી પણ સામેલ છે. ગુજરાતના ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના છેવાડાના બિલિઆંબા ગામની દીકરી ઓપીના દેવજીભાઈ ભિલારે ખો-ખો રમતમાં રાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે.

ટીમની જીતમાં પોતાનું યોગદાન આપ્યું
પ્રથમ વર્લ્ડ કપ ટ્રોફીની ભેટ ધરનાર ભારતીય (વુમન્સ) ખો ખો ટીમમાં એક ખેલાડી તરીકે સામેલ ડાંગની દીકરી ઓપીના ભિલારે, ડાંગ અને ગુજરાતનું નામ દેશ અને દુનિયામાં રોશન કર્યું છે.બિલિઆંબા ગામની આ ખેલાડીએ લીગ રાઉન્ડની સાઉથ કોરિયા, ઈરાન અને મલેશિયા સામેની મેચમાં, તથા સાઉથ કોરિયા સામેની સેમી ફાઈનલ અને નેપાળ સામેની ફાઈનલ મેચમાં નવ (9) નંબરની જર્સી સાથે, એક ઓલ રાઉન્ડર ખેલાડી તરીકે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી, ટીમની જીતમાં પોતાનું યોગદાન નોંધાવ્યું છે.

નેપાળની ટીમ સ્કોર બનાવવામાં નિષ્ફળ રહી
બેસ્ટ ડિફેન્ડર અને બેસ્ટ એટેકર એવી એક ઓલ રાઉન્ડર ખેલાડી તરીકે, ગુજરાત ખો ખો ટીમની કેપ્ટન એવી ઓપીના ભિલારે, ખો ખો રમતના તમામ પાસાઓ જેવા કે પોલ ડ્રાઈવ, સ્કાય ડ્રાઈવ, ટચ પોઈન્ટ, અધર ડ્રાઈવ, અને ડ્રીમ રન મેળવવામાં પણ તેનો ફાળો નોંધાવ્યો છે.

ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં ભારતીય મહિલા ટીમે શાનદાર પ્રદર્શન કરતા પહેલા ટર્નમાં 34 પોઈન્ટ બનાવ્યા હતા. જોકે, સામે રમી રહેલી નેપાળની ટીમ સ્કોર બનાવવામાં નિષ્ફળ રહી હતી.તો બીજા ટર્નમાં ભારતનો સ્કોર 35 પોઈન્ટ રહ્યો જ્યારે નેપાળની ટીમે 24 પોઈન્ટ હાસિલ કર્યાં હતા. બીજા ટર્નમાં ભારતે 1 પોઈન્ટ તથા નેપાળે 24 પોઈન્ટ બનાવ્યા હતા.

ભારતનો સ્કોર 78 તો નેપાળનો 40 પોઈન્ટ રહ્યો
બ્રેક બાદ ત્રીજા ટર્નમાં ભારતનો સ્કોર 73 તથા નેપાળનો સ્કોર 24 પોઈન્ટ રહ્યો હતો. ત્રીજા ટર્નમાં ભારતીય ટીમે કમાલનું પ્રદર્શન કરતા 38 પોઈન્ટ મેળવ્યા હતા. ચોથા ટર્નની પ્રથમ ઈનિંગમાં નેપાળે 6 પોઈન્ટ બનાવ્યા તો ભારતને પાંચ પોઈન્ટ મળ્યા હતા. પ્રથમ ઈનિંગનો સ્કોર 78-30 રહ્યો. ચોથા ટર્નના અંતમાં સીટી વાગવા સુધી ભારતનો સ્કોર 78 તો નેપાળનો 40 પોઈન્ટ રહ્યો હતો. ભારતીય ટીમે 38 પોઈન્ટથી આ મેચ જીતીને વિશ્વમાં ડંકો વગાડ્યો છે.