27 વર્ષથી ગૂમ પતિ મહાકુંભમાં પત્નીને અઘોરી બનીને મળ્યો, જાણો સમગ્ર મામલો

Mahakumbh News: શું તમે કુંભ મેળામાં અલગ થઈ ગયા…? નાનપણથી સાંભળેલી આ પંક્તિ જાણે આજે સાચી સાબિત થઈ રહી છે! ઝારખંડના એક પરિવારને કુંભ મેળામાં (Mahakumbh News) 27 વર્ષ પહેલાં પટનાથી ખોવાયેલા તેમના પરિવારના સભ્ય મળ્યા છે, જોકે, તે સભ્ય હવે ‘અઘોરી બાબાના વેશમાં’ છે. બીજી તરફ, અઘોરી બાબાએ આવી ઓળખને નકારી કાઢી છે.

’27 વર્ષ પહેલાં ગુમ થઈ ગયા હતા’
પરિવારનો દાવો છે કે તે (અઘોરી બાબા ઉર્ફે ગંગાસાગર) 27 વર્ષ પહેલાં ગુમ થઈ ગયા હતા, અને હવે અચાનક કુંભ મેળામાં મળ્યા છે. આ વાર્તા કોઈ ચમત્કારથી ઓછી નથી. હવે આ સ્ટોરી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. ઝારખંડનો એક પરિવાર કુંભ મેળામાં તેમના ગુમ થયેલા સભ્યને શોધવા માટે પહોંચ્યો હતો. અહીં ગુમ થયેલા સભ્યને જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા, કારણ કે તેઓ હવે અઘોરી બની ગયા હતા. આ વ્યક્તિનું નામ ગંગા સાગર યાદવ જણાવવામાં આવ્યું છે.

ગંગા સાગર યાદવ 1998માં પટનાથી ગુમ થયા હતા. ત્યારબાદ તેમની પત્ની ધનવા દેવીએ એકલા હાથે તેમના બે બાળકોના ઉછેરની જવાબદારી સંભાળી હતી. ગંગા સાગરના નાના ભાઈ મુરલી યાદવે જણાવ્યું કે કેવી રીતે તેમને તેમના ભાઈ વિશે માહિતી મળી.

પતિ જેવા દેખાતા હતા સાધુ બાબા
ગંગા સાગરના નાના ભાઈ મુરલી યાદવનું કહેવું છે કે તેમણે ગંગા સાગરને શોધવાની આશા છોડી દીધી હતી. પરંતુ તાજેતરમાં તેમના એક સંબંધી કુંભ મેળામાં ગયા હતા અને તેમની નજર ગંગા સાગર જેવા દેખાતા સાધુ બાબા (હવે બાબા રાજકુમાર) પર પડી હતી. તેમણે તરત જ સાધુ બાબાનો ફોટો લીધો અને તેમને મોકલ્યો. ત્યારબાદ તેઓ ધનવા દેવી (ગંગા સાગરની પત્ની) અને તેમના બે પુત્રો સાથે કુંભ પહોંચ્યા.

બાબાએ પોતાને વારાણસીના ઋષિ ગણાવ્યા
પરિવારનો દાવો છે કે બાબા રાજકુમારને મળ્યા બાદ તેઓએ તેમને ગંગા સાગર તરીકે ઓળખ્યા હતા. પરંતુ તેમણે પોતાની ભૂતપૂર્વ ઓળખ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. બાબાએ પોતાને વારાણસીના ઋષિ ગણાવ્યા હતા. હવે પરિવાર બાબા રાજકુમારનો ડીએનએ ટેસ્ટ કરાવવાની માંગ પર અડગ છે.

DNA ટેસ્ટ કરાવવાનો આગ્રહ
મુરલીએ કહ્યું કે તેઓ કુંભ મેળો પૂરો થાય ત્યાં સુધી રાહ જોશે. જરૂર પડશે તો તેઓ DNA ટેસ્ટ કરાવવાનો પણ આગ્રહ રાખશે. જો કે, જો DNA ટેસ્ટ મેચ ન થાય તો તેઓ માફી માંગશે. બાબા રાજકુમારના દર્શન કર્યા બાદ પરિવારના કેટલાક સભ્યો કુંભ મેળામાં રોકાયા હતા જ્યારે બાકીના પોતાના ઘરે પરત ફર્યા હતા. કુંભ મેળામાં રોકાવાનું કારણ બાબા રાજકુમાર પર નજર રાખવાનું છે. કુંભ મેળામાં પોતાના પતિ જેવા દેખાતા બાબાને જોઈને ધનવા દેવીમાં નવી આશાનું કિરણ જાગ્યું છે.