Budget 2025: ભારતના કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા તા. 1લી ફેબ્રુઆરી, 2025ના રોજ કેન્દ્રિય બજેટ– 2025 રજૂ કરવામાં આવ્યું હતું, જેનું ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા ખાતે જીવંત પ્રસારણ નિહાળવામાં (Budget 2025) આવ્યું હતું. આ સમયે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવાલા, ઉપ પ્રમુખ નિખિલ મદ્રાસી, તત્કાલિન નિવૃત્ત પ્રમુખ રમેશ વઘાસિયા, માનદ્ મંત્રી નિરવ માંડલેવાલા, માનદ્ ખજાનચી મૃણાલ શુકલ તથા પૂર્વ પ્રમુખઓ રજનિકાંત મારફતિયા, સીએ પી.એમ. શાહ, સીએ રૂપીન પચ્ચીગર, બી.એસ. અગ્રવાલ અને આશીષ ગુજરાતી તેમજ ચેમ્બરના ગૃપ ચેરમેનો સીએ મિતિષ મોદી અને ગિરધર ગોપાલ મુંદડા, ચેમ્બરના સભ્ય નૈનેષ પચ્ચીગર અને એડવોકેટ દિપેશ શાકવાલા, ઉદ્યોગકારો અને વેપારીઓ ઉપસ્થિત રહયા હતા.
કેન્દ્રિય અંદાજપત્ર સંદર્ભે ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોએ પોતાના પ્રત્યાઘાતો આપ્યા હતા.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કેન્દ્રિય અંદાજપત્રમાં પ્રધાનમંત્રી ધન ધન્ય કૃષિ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ તબકકામાં આ યોજના હેઠળ ઓછી ઉત્પાદકતા ધરાવતા 100 જિલ્લાઓને આવરી લેવામાં આવશે. આપણા દેશના ખેડૂતો આ યોજનાનો લાભ લઇને કપાસનું મોટા પાયા પર ઉત્પાદન કરશે, આથી કોટનના વધારે ઉત્પાદનનો સીધો લાભ ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને થશે. એમ.એસ.એમ.ઈ. સંદર્ભે કરવામાં આવેલી જાહેરાતોને કારણે એમ.એસ.એમ.ઈ.નું હબ ગણાતા સુરત સહિત દક્ષિણ ગુજરાતને તેનો ખૂબ મોટો ફાયદો થશે.
ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં વિવિંગ મશીન પર 5 ટકા ડયૂટી એકઝમ્પ્શન હતી, જેની મર્યાદા 31 માર્ચ 2025 હતી, કેન્દ્રિય બજેટમાં નાણાં મંત્રી દ્વારા આ ડયૂટી એકઝમ્પ્શનની મર્યાદાને લંબાવવામાં આવી છે. આ ઉપરાંત નીટેડ ફેબ્રિક પરની બેઝીક કસ્ટમ ડયૂટીને 10 ટકાથી વધારીને 20 ટકા કરવામાં આવી છે. નાણા મંત્રીની જાહેરાતમાં નીટેડ ફેબ્રિક પરની બેઝીક કસ્ટમ ડયૂટી 20 ટકા અથવા તો પ્રતિ કિલો રૂપિયા 115 પૈકી જે વધુ હશે તે લાગુ પડશે. બજેટમાં કરાયેલી આ જોગવાઇનો સીધો લાભ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં શટલ લેસ લૂમ્સ પર નીટેડ ફેબ્રિકનું ઉત્પાદન કરતા ઉદ્યોગકારોને થશે. ભારતમાં લુધિયાના પછી સુરત, નીટેડ ફેબ્રિકના ઉત્પાદનનું સેન્ટર છે, આથી નીટિંગ ઉદ્યોગકારોને નાણાં મંત્રીની જાહેરાતથી રાહત થઇ છે.
તદુપરાંત ગરીબ વર્ગ, યુવા, ખેડૂતો અને નારી શક્તિના વિકાસ માટેની ઘણી બધી જોગવાઈઓ આ બજેટમાં કરવામાં આવી છે. કન ઢ કત ના એમએસએમઇ મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ખાસ લોન યોજનાની જાહેરાત કરી છે. પ્રથમ વખત ઉદ્યોગ સાહસિક બનનારી મહિલાઓને રૂપિયા ર કરોડની ટર્મ લોન મળશે, જેનો લાભ લઇને મહિલાઓ ઉદ્યોગમાં સાહસ કરી આત્મનિર્ભર તો બનશે જ પણ સાથે સાથે અન્યોને રોજગારી આપવા માટે પણ સક્ષમ થશે. આમ, કેન્દ્રિય નાણાં મંત્રી દ્વારા રજૂ કરાયેલા બજેટને પ્રગતિશીલ બજેટ કહી શકાય.
ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ નિખિલ મદ્રાસીએ કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે છેલ્લી બોલે છગ્ગો મારી મેચ જીતાડવાની ઘટના સાથે સરખાવી હતી. વ્યક્તિગત કરદાતાની વર્ષો જૂની માંગણીનો સ્વીકાર થતા સાર્વત્રિક આનંદ ફેલાયો છે. રૂપિયા ૧ લાખ કરોડ ગુમાવીને પણ ટેકસ સ્લેબમાં થયેલા આ સુધારાને કારણે હવે લોકો ટેકસ ભરવા માટે પ્રેરિત થશે. કાળા નાણાનું ચલણ ઓછું અને ધોળા નાણાંનું ચલણ વધતા સર્વગ્રાહી રીતે દેશના અર્થતંત્રને ફાયદો થશે. આવનારા પાંચ વર્ષમાં ફર્સ્ટ ટાઈમ આંત્રપ્રિન્યોર, કે જેમાં મહિલાઓ, શિડયુલ કાસ્ટ અને શિડયુલ ટ્રાઈબ્સ માટે નવી સ્કીમ લોન્ચ કરાશે અને તેઓને આવનારા પાંચ વર્ષમાં રૂપિયા ર કરોડની ટર્મ લોન આપવામાં આવશે, આ પણ એક આવકારદાયક જોગવાઈ છે.
વધુમાં તેમણે કહયું હતું કે, સુરતના ડાયમંડ ઉદ્યોગની વાત કરીએ તો આ બજેટમાં ખાસ કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. ડાયમંડ ઉદ્યોગને રફ ડાયમંડ પરની ઈમ્પોર્ટ ડયુટી ઘટશે તેવો આશાવાદ હતો, પરંતુ તે ફળીભૂત નહિ થતા હીરા ઉદ્યોગ નારાજ છે તેમ કહી શકાય. જો કે, એમ.એસ.એમ.ઈ. અંતર્ગત ફૂટવેર અને લેધર સેક્ટરને, રમકડા સેક્ટરને અને બિહારમાં નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ફૂડ ટેકનોલોજીની સ્થાપનાની જાહેરાતને કારણે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને ખૂબ ફાયદો થશે.
ચેમ્બર ઓફ કોમર્સના તત્કાલિન નિવૃત્ત પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, કોઇપણ દેશના વિકાસ માટે રાજકોષીય ખાધ એટલે કે ફિસ્કલ ડેફીસિટ ઓછી થાય તે આવકારદાયક ઘટના છે. 5.1 % થી 4.8 % અને આવતા વર્ષે આ રાજકોષીય ખાધ 4.4 % સુધી ઘટાડવાનો લક્ષ્યાંક દેશના જી.ડી.પી.ને વધારવામાં આશીર્વાદરૂપ સાબિત થશે. સાથે જ દેશની ઇકોનોમિને પણ મજબૂત બનાવશે.
વધુમાં તેમણે કહયું હતું કે, કેન્દ્રિય બજેટમાં કરાયેલી જોગવાઇ મુજબ નવી ટેકસ રિજીમમાં રૂપિયા12 લાખ ઉપરાંતની વાર્ષિક રૂપિયા ૪ લાખ સુધીની આવક પર કોઇ ટેકસ નથી. ત્યારબાદ રૂપિયા 12 લાખ ઉપરાંતની વાર્ષિક રૂપિયા 4 લાખથી 8 લાખ સુધીની વધારાની આવક પર 5 ટકા, રૂપિયા 8 20 ટકા, રૂપિયા 20થી 24 લાખ સુધીની આવક પર 25 ટકા અને રૂપિયા 24 લાખથી વધુની આવક પર 30 ટકા ટેકસ લાગશે.
ચેમ્બર ઓફ કોમર્સના માનદ્ મંત્રી નિરવ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, કેન્દ્રિય બજેટમાં હેલ્થ કેર અને મેન્યુફેકચરીંગ સેકટર માટે આયાત કરાતી મશીનરી તેમજ ઇન્ડસ્ટ્રીયલ ગુડ્સ પરની બેઝીક કસ્ટમ ડયૂટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેનો સીધો લાભ લઘુ તથા મધ્યમ વર્ગના ઉદ્યોગકારોને થશે. નાના ઉદ્યોગકારો નવી મશીનરી આયાત કરીને કવોલિટી પ્રોડકટનું ઉત્પાદન વધારી શકશે અને ત્યારબાદ એક્ષ્પોર્ટ કરી શકશે. આ ઉપરાંત ઉદ્યમ પોર્ટલ પર જેમણે રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તેવા એમ.એસ.એમ.ઈ.ને રૂપિયા પ લાખ સુધીની મર્યાદામાં કસ્ટમાઈઝ ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે, જેનાથી એમ.એસ.એમ.ઈ. ક્ષેત્રને ફાયદો થશે.
વધુમાં તેમણે કહયું હતું કે, અત્યાર સુધી ભારતમાં રમકડાની મોટા પ્રમાણમાં આયાત કરવામાં આવતી હતી, પરંતુ કેન્દ્રિય બજેટમાં રમકડા સેકટરને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, આથી ભારત રમકડાના સેકટરમાં પણ આત્મનિર્ભર બનશે અને ત્યારબાદ રમકડાને એક્ષ્પોર્ટ પણ કરી શકશે.
ચેમ્બર ઓફ કોમર્સના માનદ્ ખજાનચી મૃણાલ શુકલએ જણાવ્યું હતું કે, કેન્દ્રિય બજેટમાં નાણાં મંત્રીએ નોકરિયાત વર્ગને રાહત આપી છે. અન્ય કોઇપણ સ્ત્રોતમાંથી આવકના કિસ્સામાં કર મુકિતની મર્યાદા રૂપિયા 12 લાખ કરવામાં આવી છે. આ ઉપરાંત હવે તમામ કરદાતાઓ છેલ્લા 4 વર્ષનું આઈટી રિટર્ન એકસાથે ફાઇલ કરી શકશે. અગાઉ આ મર્યાદા 2 વર્ષની હતી. તદુપરાંત બજેટમાં વરીષ્ઠ નાગરિકો માટે ટીડીએસની મર્યાદાને રૂપિયા 50 હજારથી વધારીને રૂપિયા 1 લાખ કરવામાં આવી છે, જેને પણ આવકારદાયક બાબત કહી શકાય તેમ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App