સ્વેટર કે બ્લેન્કેટ મૂકી ના દેતા, ગુજરાતમાં હજુ તો થથરાવી દે એવી ઠંડી પડશે; જાણો હવામાન વિભાગે કરી આગાહી

Gujarat Cold Forecast: રાજ્યમાં એક તરફ ઠંડી ઓછી થઈ ગઈ છે. બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી સમયમાં રાજ્યમાં (Gujarat Cold Forecast) વાતાવરણ કેવું રહેશે તેની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે ફેબ્રુઆરી મહિનામાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને લઈને અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું છે. આવતીકાલથી તાપમાનમાં 2થી 4 ડિગ્રી જેટલો ઘટાડો થવાનો છે.

કમોસમી વરસાદની સંભાવના
હવામાન વિભાગે કહ્યું કે ફેબ્રુઆરી મહિનામાં લઘુત્તમ મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે રહેશે. તો સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં છુટાછવાયા હળવા વરસાદની પણ સંભાવના છે.પાંચ તારીખથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં 3 અને 4 ફેબ્રુઆરીએ ગુજરાતના હવામાનમાં પલટો આવશે.

રાજ્યના અનેક ભાગોમાં વાદળવાયું વાતાવરણ રહેશે
અંબાલાલે જણાવ્યું કે, 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં વાદળવાયું વાતાવરણ રહેશે. એક પછી એક પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ છે. અમદાવાદમાં આજથી વાદળો આવવાની શરૂઆત થઈ છે.

પૂર્વી રાજસ્થાનના ભાગોમાં કંઈક અંશે વરસાદી છાંટા પડી શકે છે.તેમજ સાબરકાંઠા, પંચમહાલ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે. આ નવી સિસ્ટમથી રાજ્યમાં માવઠાની આશંકા જણાતી નથી. પશ્ચિમી વિક્ષેપ હટી જતા રાજ્યના અનેક ભાગોમાં ઠંડી પુન આવશે. રાજ્યમાં 5,6 અને 6 ફેબ્રુઆરીએ ઠંડી આવવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.