સુરત | ગટરમાં પડેલું બાળક 24 કલાકે મળ્યું: વરિયાવ પંપિંગ સ્ટેશનમાંથી મૃતદેહ બહાર કાઢ્યો

Surat Child Rescue: સુરતના વરિયાવ વિસ્તારમાંથી રૂંવાડા ઊભા કરી દેતી ઘટના સામે આવી છે. શહેરના આ વિસ્તારમાં ગઇકાલે સાંજે એક 2 વર્ષનું બાળક સીવરના (Surat Child Rescue) ખુલ્લા મેનહોલમાં પડી ગયું હતું. જે બાદ વડોદારની NDRFની ટીમ અને ફાયર વિભાગની ટીમ દ્વારા 24 કલાકની ભારે શોધખોળ બાદ વરીયાવ પંપિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં બાળકને બહાર કાઢવામાં આવ્યું છે.ત્યારે આ ઘટનાના પગલે તેના પરિવારના સભ્યોમાં ભારે આક્રન્દ જોવા મળ્યું છે.

બાળકની લાશ મળી આવતા ચકચાર મચી
વરિયાવ રોડ પર બુધવારી બજારમાં માતા વૈશાલીબેન વેગડ સાથે નીકળેલો બે વર્ષીય કેદાર વરસાદી પાણીની ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો. ગત રોજ આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોનું ટોળું ઘટના સ્થળે એકઠું થઈ ગયું હતું.

ઘટના અંગે જાણ થતાં ફાયર વિભાગની 8 ટીમના જવાનો દ્વારા ભારે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ભારે પ્રયાસો વચ્ચે પણ માસુમ બાળકની લાશ મળી આવતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.તેમજ બાળકની માતાનું ભારે આક્રન્દ જોવા મળ્યું છે.

લોકોમાં ભારે રોષ જોવા મળ્યો
પરિવારજનો સહિત લોકોમાં વહીવટી તંત્રની કામગીરી વિરૂદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે સવારથી જ મોટી સંખ્યામાં લોકોએ ધરણાં પ્રદર્શન સાથે મહાનગર પાલિકાના લાપરવાહીને પગલે માસુમ બાળક સાથે સર્જાયેલી દુર્ઘટનાને કારણે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે બાળક ગટરમાં પડ્યા બાદ 24 કલાકની ભારે જહેમત બાદ બાળક મૃત હાલતમાં માલ્ટા આ કિસ્સો શહેરમાં એક ચર્ચાનો વિષય બન્યો છે.

લોકોએ પાલિકાની ભૂલ ગણાવી
લોકોએ કહ્યું કે, અધિકારીઓને કોઈપણ પ્રકારની ગંભીરતા નથી. ફાયર વિભાગ ત્યારે જ શોધી શકે જ્યારે તેને ડ્રેનેજ લાઈનનો પ્રોપર નકશો મળી શકે. પરંતુ અધિકારીઓ યોગ્ય રીતે માર્ગદર્શન આપી રહ્યા નથી, તેના કારણે ફાયર વિભાગ ભલે મહેનત કરી રહ્યું હોય, પરંતુ પરિણામ સામે આવી રહ્યું નથી. આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ. અધિકારીઓ ગંભીરતા રાખી રહ્યા નથી એ વાત તો સ્પષ્ટ થઈ રહી છે. ઝોનના અધિકારીઓ પણ ગંભીરતાપૂર્વક સમગ્ર ઘટનામાં ઝડપથી કાર્યવાહી કરી રહ્યા નથી. અમે એક સમાજ, એક તાકાત સાથે લડીશું અને દીકરાને ન્યાય અપાવી જવાબદારોને સજા કરાવીશું.