આપ સુપ્રીમો કેજરીવાલની હાર સાથે દિલ્હીમાં AAP ના સૂપડા સાફ

AAP Arvind Kejriwal: પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ દિલ્હી વિધાનસભા ચૂંટણીની સૌથી VVIP બેઠક નવી દિલ્હીથી ચૂંટણી હારી ગયા છે. અરવિંદ કેજરીવાલને (AAP Arvind Kejriwal) ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ હરાવ્યા છે. સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ થતાં જ અરવિંદ કેજરીવાલ પાછળ રહ્યા. લગભગ બે કલાકની મત ગણતરી પછી અરવિંદ કેજરીવાલ થોડા સમય માટે આગળ રહી શક્યા, પરંતુ આખરે તેઓ ચૂંટણી હારી ગયા.

અરવિંદ કેજરીવાલની હાર
દિલ્હી વિધાનસભાની 70 બેઠકોની ચૂંટણીના પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે. આ ચૂંટણી પરિણામમાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતીનો આંકડો લગભગ પાર કરી લીધો છે. જે બાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખુશ-ખુશ થઈ ગયા છે.

આ વચ્ચે ભાજપ નેતા યોગેન્દ્ર ચંદૌલિયાએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ‘‘હું PM મોદીની અપીલ સાંભળવા માટે દિલ્હીના લોકોનો આભાર માનું છું. અરવિંદ કેજરીવાલ તમામ મોડલોમાં નિષ્ફળ ગયા છે. કેજરીવાલ તિહાર જશે તે નિશ્ચિત છે. તેઓ સીએમ બનવા માંગતા હતા, પરંતુ હવે તેઓ ધારાસભ્ય પણ બનવાના નથી. દિલ્હીના મુખ્યમંત્રીના નામની જાહેરાત પાર્ટી હાઈકમાન્ડ દ્વારા કરવામાં આવશે.’’

CM પદ પરથી રાજીનામું આપી દીધું હતું
AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને આતિશીને દિલ્હીની કમાન સોંપી દીધી હતી. જો કે આ ચૂંટણીમાં કેજરીવાલે પોતાને જ સીએમનો ચહેરો જાહેર કર્યો હતો. તેમજ આતિશી પણ કાલકાજી સીટ પરથી પાછળ ચાલી રહ્યા છે. ભાજપના રમેશ બિધૂડી તેમને હરાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

AAP માટે ચૂંટણી પરિણામ ખૂબ જ આશ્ચર્યજનક
AAP માટે દિલ્હી વિધાનસભા 2025ના ચૂંટણી પરિણામો ખૂબ જ આશ્ચર્યજનક છે. AAP છેલ્લા 10 વર્ષથી સત્તામાં હતુ. વર્ષ 2015માં પાર્ટીએ 67 બેઠક જીતી હતી અને 2020માં 62 બેઠક જીતી હતી. એવામાં AAP માટે દિલ્હી વિધાનસભા 2025ના ચૂંટણી પરિણામો ખૂબ જ આશ્ચર્યજનક છે.