નવા શૈક્ષણિક વર્ષથી પાઠ્યપુસ્તકોમાં કરાશે ફેરફાર: ધો. 1, 6થી 8 અને 12નાં બદલાશે પુસ્તકો, જાણો વિગત

Gujarat Textbooks Changes: ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2025-26 થી રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં (Gujarat Textbooks Changes) મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. મંડળ દ્વારા ધોરણ 1, 6, 7, 8 અને 12 ના પાઠ્યપુસ્તકોમાં બદલાવ લાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવા ફેરફારો નવા શૈક્ષણિક સત્રથી અમલમાં આવશે.

પાઠ્યપુસ્તકોમાં ફેરફરા કરવાનો નિર્ણય
આ બદલાવ અંતર્ગત, ધોરણ 1 માં ગુજરાતી વિષયનું પાઠ્યપુસ્તક સંપૂર્ણપણે બદલવામાં આવશે. તેવી જ રીતે, ધોરણ 6 માં અંગ્રેજી વિષયના પુસ્તકમાં નવો અભ્યાસક્રમ જોવા મળશે. ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી, ગણિત અને વિજ્ઞાન વિષયના પુસ્તકોમાં સંપૂર્ણ ફેરફાર કરવામાં આવશે.

ઉપરાંત, ધોરણ 7 ના સંસ્કૃત માધ્યમના વિદ્યાર્થીઓ માટે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સર્વાંગી શિક્ષણ, સંસ્કૃત અને મરાઠી સહિત તમામ વિષયોના પુસ્તકોમાં બદલાવ થશે. માધ્યમિક શિક્ષણમાં, ધોરણ 12 ના અર્થશાસ્ત્ર વિષયના પુસ્તકમાં એક નવું પ્રકરણ ઉમેરવામાં આવશે, જે વિદ્યાર્થીઓને વર્તમાન આર્થિક પરિસ્થિતિઓથી વધુ સારી રીતે વાકેફ કરશે.

નવી શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખીને આ નિણઁય લેવામાં આવ્યો
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આ ફેરફારો નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) એટલે કે નવી શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે. આ પાછળનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની શીખવાની પ્રક્રિયાને વધુ અસરકારક અને સુદ્રઢ બનાવવાનો છે. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ નવી શિક્ષણ નીતિને અનુરૂપ પાઠ્યપુસ્તકોને સતત અપડેટ કરવા માટે પ્રતિબદ્ધ છે, અને આ ફેરફાર તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં નવો ઉત્સાહ
આ નવા પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓને વધુ ગુણવત્તાયુક્ત શિક્ષણ સામગ્રી પ્રદાન કરશે અને તેમને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરવામાં મદદરૂપ થશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.