Bhavani Mata Temple: સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે નામના પ્રાપ્ત મહુવામાં ઐતિહાસિક ભવાની માતાજીનું મંદિર આવેલું છે. અરબી સમુદ્રના કાંઠે આવેલું ભવાની માતાજીનું મંદિર (Bhavani Mata Temple) ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીજીના અતૂટ પ્રેમ સબંધ અને માતાજી પ્રત્યેની અખૂટ શ્રધ્ધાનું સાક્ષી છે. સંત, શૂરા અને ભક્તોની ભૂમિ ગોહિલવાડની રખેવાળી માટે ચારેય દિશામાં માતાજી હાજરા હજૂર બેઠા છે.
ભગવાન કૃષ્ણ અને રુકમણીના પ્રેમના સાક્ષી રહેલા મહુવાના ભવાની માતાજીના મંદિર સાથે ઐતિહાસિક દંતકથા જોડાયેલી છે. લોકવાયકા પ્રમાણે ભવાની માતાજીના મંદિરથી થોડે દૂર કતપર ગામ આવેલું છે. તે સમયે કુંદનપુર તરીકે કતપર ગામ ઓળખાતું હતું. કુંદનપુરના રાજા ભીષ્મક હતા. તેમને સંતાનોમાં પાંચ પુત્ર અને એક પુત્રી હતી. જેમાં મોટા પુત્રનું નામ રુકમય અને પુત્રીનું નામ રુકમણી હતું. રુકમણીજીના વિવાહ તેમના ભાઈએ તેના મિત્ર શિશુપાલ સાથે નક્કી કરી દીધા હતા. જે રુકમણીજીને પસંદ ન હોય, તેમણે ભગવાન શ્રી કૃષ્ણને સંદેશો મોકલાવ્યો હતો.
જેમાં તેમણે કહ્યું હતું કે, મારા ભાઈએ મારા વિવાહ મને પસંદ ન હોય તેની સાથે નક્કી કર્યા છે, એટલે હે નાથ તમે ભવાની માતાના મંદિરે આવી મારુ હરણ કરી તમારી સાથે લઈ જાવ. આથી ભગવાન શ્રી કૃષ્ણ ભવાની મંદિરે આવે છે અને રુકમણીજીને તેમની દ્વારકા લઈ જઈ ત્યાં વિવાહ કરી લે છે. આમ ભવાની માતાજીનું મંદિર શ્રી કૃષ્ણ અને રુકમણીજીના પ્રેમનું પ્રતિક ગણાય છે અને આ પ્રસંગના પૂરાવા રૂપે અવશેષો મંદિર પરિસરમાં આજે પણ મૌજૂદ છે. આ દંતકથાને કારણે આજે પણ અપરિણીત કન્યાઓ તેમના મનગમતા ભાવિ ભરથાર માટે ભવાની માતાજી સમક્ષ મનોકામના કરી પૂજન-અર્ચન કરે છે.
વર્ષમાં આવતી નવરાત્રિની ઐતિહાસિક ભવાની માતાના મંદિરે પૂરી શ્રધ્ધા સાથે ઉજવણી થાય છે. ખાસ કરીને આસો નવરાત્રિમાં શ્રધ્ધાળુઓના ઘોડાપૂર ઉમટતા હોય તેમ માંઈભક્તોનો પ્રવાહ જોવા મળે છે. મહુવાના ભવાની માતાજી હજારો પરિવારોના કુળદેવી તરીકે પણ પૂજાય છે. જેઓ માતાજીના ચરણોમાં શિશ નમાવવા અચૂક આવે છે. ટ્રસ્ટીગણ વતી નવરાત્રિમાં મહાઆરતી, પૂજન-અર્ચનના વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાય છે.
ભવાની મંદિર પર્યટકો માટે શ્રેષ્ઠ સ્થળ
મહુવાથી આશરે 5 કિ.મી.ના અંતરે અરબી સમુદ્રની સપાટીથી 150 ફીટ ઉપર આવેલું ઐતિહાસિક ભવાની માતાનું મંદિર શ્રધ્ધાળુઓ માટે વિશેષ સ્થાન ધરાવે છે. દરિયાના ઘુઘવાટા મોજે આજે પણ ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીજીના પ્રસંગને વર્ણવતા હોય તેવો અહેસાસ કરાવે છે. શ્રધ્ધાળુઓ સાથે પર્યટકો માટે પણ ભવાની માતાજીનું સ્થળ શ્રેષ્ઠ મનાય છે. અહીં અરબી સમુદ્રનો કાંઠો પર્યટકો-શ્રધ્ધાળુઓને અલૌકિક આનંદને અહેસાસ કરાવે છે. પિકનિક પોઈન્ટ તરીકે વિકસેલા આ સ્થળે રવિવાર અને તહેવારોના દિવસોમાં લોકોની ખાસી ભીડ રહે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App