અલ્પેશ કથીરિયા VS ગણેશ ગોંડલ? બંને પક્ષોએ નોંધાવી સામસામે ફરિયાદ, કેટલાક આરોપીઓની ધરપકડ

Gondal Controversy: રાજકોટ જિલ્લાનાં ગોંડલમાં આજે અલ્પેશ કથીરિયા અને ગણેશ ગોંડલનાં સમર્થકો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. ગણેશ ગોંડલનાં (Gondal Controversy) પડકાર બાદ આજે અલ્પેશ કથીરિયા, જિગીષા પટેલ અને ધાર્મિક માલવીયા સમર્થકો સાથે ગોંડલની મુલાકાતે પહોંચ્યા હતા.

દરમિયાન, ગણેશ ગોંડલનાં સમર્થકો દ્વારા તેમનો વિરોધ કરી ગાડીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે બીજી તરફ ગણેશ ગોંડલનાં સમર્થકો પર કાર ચઢાવી હોવાનાં આરોપ થયા છે. આ મામલે પોલીસે બંને પક્ષ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી આદરી છે.

અલ્પેશ કથીરિયાના સમર્થનમાં આવેલી 4 કારમાં તોડફોડ કરાઈ હોવાનો આરોપ
પ્રાપ્ત માહિતી અનુસાર, ગોંડલ ખાતે અલ્પેશ કથીરિયા અને ગણેશ ગોંડલ વિવાદ મામલે બન્ને પક્ષ સામે ફરિયાદ થઈ છે. જે હેઠળ ઇન્દ્રસિંહ જાડેજા, પિન્ટુ સાવલિયા, પુષ્પરાજ વાળા, લક્કીરાજસિંહ સામે ફરિયાદ નોંધાઈ છે. ઉપરાંત, નિલેશ ચાવડા તેમ જ અજાણ્યા ટોળા વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી છે.

પોલીસ ફરિયાદમાં આરોપ કરાયો છે કે અલ્પેશ કથીરિયાનાં સમર્થનમાં આવેલી 4 જેટલી કારમાં ગણેશ ગોંડલનાં સમર્થકો દ્વારા તોડફોડ કરાઈ હતી. આ મામલે ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ દ્વારા સરકારે પક્ષે ફરિયાદ નોંધવામાં આવી છે અને રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

ગણેશ જાડેજાના સમર્થકો પર કાર ચઢાવ્યાનાં આરોપ હેઠળ ફરિયાદ
બીજી તરફ અલ્પેશ કથીરિયાનાં સમર્થક અને બ્રેઝા કારચાલક વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે. કારચાલક દ્વારા ગણેશ ગોંડલનાં સમર્થકો પર કાર ચઢાવી દેવાનો આરોપ થયો છે. આ મામલે પોલીસે મનુષ્યવધનાં પ્રયાસ અંગેના આરોપ હેઠળ ફરિયાદ નોંધી છે. ફરિયાદમાં ચાલક દ્વારા ટોળું ઊભું હોવા છતાં જાણી જોઈને સ્પીડથી કાર હંકારીને હત્યા કરવાનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ થયો છે. આ મામલે BNS ની કલમ 110 મુજબ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સામસામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.