આવતીકાલથી આ 15 બેંકો થઈ જશે બંધ, ગુજરાતની પણ 2 બેંકનો સમાવેશ; જાણો વિગતે

Bank closed News: કેન્દ્ર સરકાર દેશના ગ્રામીણ વિસ્તારોમાં બેંકિંગ સેવાઓને વધુ સુલભ, સસ્તી અને અસરકારક બનાવવાના ઉદ્દેશ્ય સાથે એક મોટો નિર્ણય (Bank closed News) લેવા જઈ રહી છે. સરકારની ‘એક રાજ્ય-એક પ્રાદેશિક ગ્રામીણ બેંક (RRB)’ નીતિ હેઠળ, આગામી 1 મે, 2025થી દેશમાં કાર્યરત પ્રાદેશિક ગ્રામીણ બેંકોની સંખ્યા 43થી ઘટાડીને 28 કરવામાં આવશે. આ વિલીનીકરણની પ્રક્રિયા 1 થી 15 મે દરમિયાન થવાની અપેક્ષા છે.

નાણા મંત્રાલયે દેશના 11 રાજ્યોમાં કાર્યરત 15 પ્રાદેશિક ગ્રામીણ બેંકોનું વિલીનીકરણ કરવાનો નિર્ણય લીધો છે. આ પગલાથી બેંકોની કામગીરી સુધારવા અને તેમને વધુ મજબૂત બનાવવાનો લક્ષ્ય છે. દેશમાં પ્રાદેશિક ગ્રામીણ બેંકોના વિલીનીકરણનો આ ચોથો તબક્કો છે.

આ 11 રાજ્યોમાં હવે ફક્ત એક જ RRB રહેશે
આ સૂચના હેઠળ, 11રાજ્યો – આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા અને રાજસ્થાનમાં હવે ફક્ત એક જ RRB કાર્યરત રહેશે. આ રીતે, દરેક રાજ્યમાં હાજર પ્રાદેશિક ગ્રામીણ બેંકો તેમના એકીકરણ દ્વારા મજબૂત બનશે અને તે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં એકમાત્ર RRB તરીકે બેંકિંગ સેવાઓ પૂરી પાડશે.

ક્યા રાજ્યમાં કઈ ગ્રામીણ બેંકનું મર્જર થશે
આંધ્રપ્રદેશ: યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પ્રાયોજિત ચૈતન્ય ગોદાવરી ગ્રામીણ બેંક, આંધ્ર પ્રગતિ ગ્રામીણ બેંક, કેનેરા બેંક દ્વારા પ્રાયોજિત સપ્તગીરી ગ્રામીણ બેંક અને ઇન્ડિયન બેંક તથા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પ્રાયોજિત આંધ્ર પ્રદેશ ગ્રામીણ વિકાસ બેંકનું મર્જર કરીને ‘આંધ્ર પ્રદેશ ગ્રામીણ બેંક’ નામની એક જ RRB બનાવવામાં આવશે. તેનું મુખ્ય કાર્યાલય અમરાવતીમાં હશે અને સ્પોન્સરશિપ યુનિયન બેંક ઓફ ઈન્ડિયા હેઠળ રહેશે.

ઉત્તરપ્રદેશ: બરોડા યુપી બેંક, આર્યવત બેંક અને પ્રથમા યુપી ગ્રામીણ બેંકનું વિલીનીકરણ કરીને ‘ઉત્તર પ્રદેશ ગ્રામીણ બેંક’ બનાવવામાં આવશે, જેનું મુખ્ય કાર્યાલય લખનૌમાં હશે અને બેંક ઓફ બરોડા દ્વારા પ્રાયોજિત કરવામાં આવશે.

પશ્ચિમ બંગાળ: બંગિયા ગ્રામીણ વિકાસ, પશ્ચિમ બંગાળ ગ્રામીણ બેંક અને ઉત્તરબંગા પ્રાદેશિક ગ્રામીણ બેંકને મર્જ કરીને ‘પશ્ચિમ બંગાળ ગ્રામીણ બેંક’ની રચના કરવામાં આવશે.

ગુજરાત: બરોડા ગુજરાત ગ્રામીણ બેંક અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકને મર્જ કરીને ‘ગુજરાત ગ્રામીણ બેંક’ની રચના કરવામાં આવશે. તેનું મુખ્ય કાર્યાલય વડોદરામાં હશે અને તેને બેંક ઓફ બરોડા દ્વારા પ્રાયોજિત કરવામાં આવશે.

જમ્મુ અને કાશ્મીર: J&K ગ્રામીણ બેંક અને એલાક્વાઈ ગ્રામીણ બેંકનું વિલિનીકરણ કરીને ‘જમ્મુ અને કાશ્મીર ગ્રામીણ બેંક’ બનાવવામાં આવશે. તેનું મુખ્ય મથક J&K બેંકના પ્રાયોજક હેઠળ જમ્મુમાં હશે.

બિહાર, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા અને રાજસ્થાન: આ આઠ રાજ્યોમાં બે RRBને એકમાં મર્જ કરવામાં આવશે. જેમ કે, પંજાબ નેશનલ બેંકના પ્રાયોજક હેઠળ દક્ષિણ બિહાર ગ્રામીણ બેંક અને ઉત્તર બિહાર ગ્રામીણ બેંકનું વિલીનીકરણ કરીને ‘બિહાર ગ્રામીણ બેંક’ની રચના કરવામાં આવશે.
વિલીનીકરણ બાદ, બધી પ્રાદેશિક ગ્રામીણ બેંકો પાસે ₹2000 કરોડની અધિકૃત મૂડી હશે. હાલમાં 26 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 43 RRB કાર્યરત છે. વિલીનીકરણ પછી, 26 રાજ્યો અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશોમાં 28 RRB હશે, જેની 700 જિલ્લાઓમાં 22000થી વધુ શાખાઓ હશે.

RRB વિલીનીકરણનો ઇતિહાસ
પ્રાદેશિક ગ્રામીણ બેંકોના વિલીનીકરણનો આ ચોથો તબક્કો છે. પ્રથમ તબક્કામાં (નાણાકીય વર્ષ 2006થી 2010) RRBની સંખ્યા 196થી ઘટાડીને 82 કરવામાં આવી હતી, બીજા તબક્કામાં (નાણાકીય વર્ષ 2013- 2015) તે 82 થી ઘટાડીને 56 કરવામાં આવી હતી અને ત્રીજા તબક્કામાં તે 56થી ઘટાડીને 43 કરવામાં આવી હતી.

આ વિલીનીકરણનો ઉદ્દેશ્ય ગ્રામીણ બેંકોને વધુ મજબૂત, સ્થિર અને કાર્યક્ષમ બનાવવાનો છે, જેથી તેઓ ગ્રામીણ વિસ્તારોમાં વધુ સારી બેંકિંગ અને નાણાકીય સેવાઓ પૂરી પાડી શકે. જો તમારું ખાતું પણ ઉપરોક્ત રાજ્યોની કોઈ ગ્રામીણ બેંકમાં હોય, તો વિલીનીકરણ પછી તે નવી રચાયેલી RRBનો ભાગ બની જશે.