કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદ પાસે શંકાસ્પદ વિસ્ફોટ, ઊડતી વસ્તુ હાઇ ટેન્શન પાવરલાઇન સાથે અથડાતાં ધડાકો

Kutch Border News: ભારત-પાકિસ્તાન સરહદ નજીકના ખાવડા વિસ્તારમાં આજે સવારે એક શંકાસ્પદ વિસ્ફોટ થયો હતો. મળતી માહિતી અનુસાર, આ વિસ્ફોટ (Kutch Border News) એક શંકાસ્પદ ડ્રોન હાઇ ટેન્શન પાવર લાઇન સાથે અથડાવાના કારણે થયો હતો.

આ ઘટના આજે સવારે આશરે 6 વાગ્યે બની હતી, જેના કારણે વિસ્તારમાં થોડો ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને વાયુસેનાના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી દીધી છે. હાલમાં એ વાતની પુષ્ટિ થઈ શકી નથી કે આ ડ્રોન સરહદ પારથી આવ્યું હતું કે સ્થાનિક સ્તરેથી ઉડાન ભરી હતી. સુરક્ષા એજન્સીઓ આ તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરી રહી છે. આ ઘટનાને પગલે સમગ્ર સરહદી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરી દેવામાં આવી છે અને સુરક્ષા એજન્સીઓ સતર્ક છે.

પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્ફોટના કારણે પાવર લાઇનને પણ નુકસાન થયું છે, જેને રિપેર કરવાની કામગીરી ચાલી રહી છે. આ ઘટના અંગે વધુ માહિતી તપાસ બાદ જ સામે આવશે. તંત્ર દ્વારા લોકોને શાંતિ જાળવવા અને કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરવામાં આવી છે.

વધતા તણાવને ધ્યાનમાં રાખીને, અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે શું ભારત-પાકિસ્તાનની સરહદ નજીક શંકાસ્પદ ડ્રોનનું પ્રવેશવું એ પાકિસ્તાન સાથે જોડાયેલી હોઈ શકે છે. પાકિસ્તાન ગુરુવારે મોર્ટાર અને તોપમારો કરીને પોતાનું આક્રમણ ચાલુ રાખીને જમ્મુની નિયંત્રણ રેખા પર સક્રિય રીતે ગોળીબાર કરી રહ્યું છે. સાવચેતી રૂપે, સરહદી વિસ્તારોમાં મોટાભાગના રહેવાસીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. જવાબમાં, ભારતીય સેના મજબૂત વળતો હુમલો કરી રહી છે.