ગુજરાતમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી: બે દિવસ માવઠાંની અસર જોવા મળશે, જાણો તમારા શહેરનું તાપમાન

Gujarat Rain Forcast: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી વરસાગ વરસી રહ્યો છે. આ બાદ સૌરાષ્ટ્ર પર પણ સર્જાયેલા સાયક્લોનિક (Gujarat Rain Forcast) સર્ક્યુંલેશના કારણે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 14 મે સુઘી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.

આજે સૌરાષ્ટ્રના છ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આજે મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે. વડોદરા અને છોટાઉદેપુરમાં પણ આજે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ 14 મે બાદ એટલે કે 15 મે થી ગુજરાતમાં વરસાદ બંઘ થઇ જશે અને ફરી એકવાર ગરમી વધશે.

વરસાદની આગાહી વચ્ચે ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. સાપુતારા સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે. માવઠાની સાથે ગાઢ ધૂમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી છે.સાપુતારા અને આસપાસના વિસ્તારમાં વરસાદ બાદ ઠંડક પ્રસરી ગઇ. ગિરિમાળાએ ધુમ્મસની ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સર્જ્યા હતા.

આજે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા
14મી તારીખે બુધવારે એટલે કે આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં
કમોસમી વરસાદના કારણે રાજ્યમાં કેરીના પાકમાં 50 અને તલના પાકમાં 40 ટકાનું નુકસાન થયાનો અંદાજ છે. પપૈયામાં 20, કેળામાં 15 અને ડાંગરના પાકને 15 ટકા નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે. વરસાદ બંધ થયા બાદ સર્વેની કામગીરી શરૂ કરાશે. હાલ તો સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.

હવામાન વિભાગે ચોમાસાને લઇને પણ મોટી આગાહી કરી છે. આ વખતે ચોમાસાનું વહેલું આગમન થઇ જશે. હવામાન વિભાગના મતે 27 મેએ કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઇ શકે છે. હવામાન વિભાગે સત્તાવાર જાહેર કરી છે કે મંગળવારે નૈઋત્યની વર્ષા ઋતુનું આગમન અંદામાન-નિકોબાર, બંગાળના ઉપસાગરમાં થયું છે. ગુજરાતમાં 10 કે 11 જૂનની આસપાસ ચોમાસું પહોંચી શકે છે. ગુજરાતમાં ચાર દિવસ પહેલા ચોમાસાનું આગમન થાય તેવું અનુમાન છે.

સામાન્ય રીતે નૈઋત્યનું ચોમાસું દર વર્ષે 18-22 મે સુધી અંદામાન-નિકોબારમાં પ્રવેશ કરે છે. જો કે હાલ એક કરતાં વધુ કુદરતી પરિબળો સાનુકુળ બની રહ્યાં હોવાથી ચોમાસું તેની કુદરતી પરંપરા કરતાં પાંચ દિવસ વહેલાં અંદામાન-નિકોબારમાં પહોંચ્યું છે અને 3થી ચાર દિવસમાં અરબી સમુદ્રના દક્ષિણ હિસ્સામાં, માલદીવ, કોમોરીન વિસ્તાર, બંગાળના ઉપસાગરના વધુ વિસ્તાર, આખા અંદામાન -નિકોબારના સંપૂર્ણ ટાપુ વિસ્તારમાં પણ આગળ વધે તેવી શક્યતા છે. જો આ બધા કુદરતી પરિબળો આ જ રીતે સાનુકુળ બની રહેશે તો નૈઋત્યની વર્ષા ઋતુનું કેરળ આગમન 27 મેએ થવાની પૂરી શક્યતા છે.