મુખ્યમંત્રી પોતાના રાહત ફંડ માટે જે દાન માંગી રહ્યા છે તે ગેરબંધારણીય- જેનો જનતાને હિસાબ મળતો નથી

અત્યારે કોરોના વાયરસના સંદર્ભમાં ગુજરાત સરકાર મુખ્યમંત્રી રાહત ફંડમાં લોકોને દાન આપવા અપીલ કરી રહી છે અને લોકો પણ ઉદાર મને તેમાં નાણાં આપી રહ્યા…

અત્યારે કોરોના વાયરસના સંદર્ભમાં ગુજરાત સરકાર મુખ્યમંત્રી રાહત ફંડમાં લોકોને દાન આપવા અપીલ કરી રહી છે અને લોકો પણ ઉદાર મને તેમાં નાણાં આપી રહ્યા છે. તુલનાત્મક રીતે સુખી લોકો, સંસ્થાઓ અને કંપનીઓ આ ફંડમાં નાણાં આપે છે. પરંતુ આ ફંડના વહીવટના સંદર્ભમાં કેટલાક પાયાના સવાલો ઊભા થાય છે. પારદર્શિતા અને સુશાસનની બહુ મોટી વાતો કરવામાં આવે છે પણ એ સિદ્ધાંત ગુજરાત મુખ્ય મંત્રી રાહત ફંડને આશ્ચર્યજનક રીતે લાગુ પડતો નથી! કેટલાક મુદ્દા જોઈએ -પ્રો. હેમંતકુમાર શાહ ની કલમે.

(1) આ ફંડ ૧૯૬૭માં રચાયું હતું. તે એક ખાનગી ફંડ છે, સરકારી નહિ. તેનો વહીવટ મુખ્ય મંત્રીના અધ્યક્ષપદ હેઠળની પાંચ સભ્યોની સમિતિ કરે છે. મહેસૂલ ખાતું તેનું સંચાલન કરે છે.

(2) તેના નામને કારણે લોકોને તો એમ જ લાગે છે કે આ સરકારી ફંડ છે. પણ એ સરકારી ફંડ છે જ નહિ.

(3) આ ફંડના આવકજાવકના હિસાબો જાહેર કરવામાં આવતા નથી. વિધાનસભામાં પણ તે રજૂ થતા નથી. થોડાં વર્ષો અગાઉ માહિતી અધિકાર ધારા હેઠળ અરજી કરાઈ ત્યારે પણ તેની માહિતી આપવામાં આવી નહોતી અને એમ કહેવામાં આવ્યું હતું કે આ તો એક ખાનગી ફંડ છે.

(4) કેટલા પૈસા ફંડમાં દાન પેટે આવ્યા અને તે ક્યારે, કોના માટે અને કયા હેતુ માટે ખર્ચાયા તે જાણવાનો લોકોને અધિકાર છે પણ સરકાર તે અધિકારને માન્ય રાખતી નથી.

(5) અત્યારે પહેલાં આ ફંડમાં કેટલા પૈસા છે તે સરકાર જાહેર કરે, તેનો ગયા વર્ષનો તથા ચાલુ વર્ષનો વિગતવાર હિસાબ જાહેરખબર આપીને જાહેર કરે. ફંડમાં પૈસા લેવા જાહેરખબરો આપી શકાય તો હિસાબ આપવા પણ જાહેરખબર આપી શકાય.

(6) ફંડમાં જે પૈસા છે તે કોરોના આપત્તિના નિવારણ માટે કેવી રીતે વાપરવાનું આયોજન છે તે પણ સરકાર જાહેર કરે.

(7) તત્કાળ કેટલાં નાણાંની જરૂર લાગે છે તેનો સરકાર અંદાજ આપે. તે શાને માટે વપરાશે તે પણ કહે. પછી જ લોકો પાસે પૈસા માગે.

(8) જ્યારે પણ કોઈ મોટી આપત્તિ આવે છે ત્યારે સરકાર આ ફંડમાં પૈસા ભેગા કરે છે અને વાપરે છે, પણ કદી કરોડો રૂપિયાનો હિસાબ આપતી નથી. આ બાબત પારદર્શિતા અને ઉત્તરદાયિત્વ જેવા સુશાસનના સિદ્ધાંતોનો સરેઆમ ભંગ છે.

હવે બીજો ગંભીર મુદ્દો:

(1) બંધારણની કલમ-૨૬૭ મુજબ ‘ગુજરાત આકસ્મિકતા નિધિ’ની રચના કરવાની હોય. ગુજરાતમાં ૧૯૬૦માં તે માટે કાયદો પણ થયેલો છે. આ નિધિ એટલે કે ફંડમાં રાજ્ય સરકારે પોતાના બજેટમાંથી દર વર્ષે થોડીક રકમ અલાયદી મૂકવાની છે.

(2) આ ફંડની રકમ કોઈ પણ અણધાર્યા ખર્ચને પહોંચી વળવા વાપરવાની હોય છે એમ બંધારણ કહે છે.

(3) ગુજરાત સરકાર છેલ્લાં ૨૦ વર્ષથી આકસ્મિકતા નિધિમાં એક રૂપિયાની પણ જોગવાઈ કરતી નથી! જાણે કે ગુજરાતમાં કોઈ આપત્તિ આવવાની જ ના હોય!

(4) પણ તે હેઠળ થોડીઘણી રકમ તો તે વાપરે જ છે પાછળથી જોગવાઈ કરીને.

(5) ચાલુ વર્ષના રૂ. ૨.૦૩ લાખ કરોડના બજેટમાં એક પણ રૂપિયો આ ફંડ માટે ફાળવાયો નથી! ૨૦૨૦-૨૧ના ₹ ૨.૧૪ લાખ કરોડના બજેટમાં પણ એક રૂપિયો પણ આકસ્મિકતા નિધિ માટે નથી!

(6) સામાન્ય લોકો પણ આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે અલગ બચત મોટે ભાગે ભેગી કરે છે તો સરકાર કેમ આપત્તિઓ આવશે એમ ધારીને અલગથી બજેટમાં રકમ રાખતી નથી, બંધારણમાં જોગવાઈ હોવા છતાં પણ?

(7) જો રાજ્ય સરકારનું ચાલુ વર્ષનું બજેટ ₹ ૨.૦૩ લાખ કરોડનું હોય તો તેની બે ટકા રકમ પણ ₹ ૪૦૦૦ કરોડ થાય! કોરોના સામે લડવા આટલી રકમ તો સરકાર પાસે છે જ, હોવી જ જોઈએ.

(8) ગુજરાત સરકાર આકસ્મિકતા નિધિ નહિ રાખીને બંધારણ અને કાયદાનો ભંગ કરી રહી છે એ સ્પષ્ટ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *