- કચ્છના 10માંથી 5 તાલુકામાં પાણીની તીવ્ર કટોકટી, લખપત-રાપરમાં અતિગંભીર સ્થિતિ.
- નર્મદા બંધમાંથી કચ્છના ઉદ્યોગોને 676 MLD પાણી ફાળવાયું, 845 MLD અપાય છે.
ગુજરાતમાં સળંગ બે નબળા ચોમાસા બાદ હવે રાજ્યના મોટાભાગના જળાશયો સૂકાવા આવ્યા છે. એટલું જ નહીં, હવે તો નર્મદાનું પાણી પણ પૂરતું થઈ રહ્યું નથી ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગોને બેરોકટોક જળ વિતરણ કરીને ખેડૂતોને ઠેંગો દેખાડાઈ રહ્યાના આક્ષેપો થઈ રહ્યા છે. કચ્છની વાત કરીએ તો ત્યાં અત્યારે પીવાના પાણીના પણ સાંસા છે. અહીં ઉદ્યોગો દ્વારા ભૂગર્ભજળને પણ બેફામપણે ખેંચવામાં આવી રહ્યું છે અને આ કારણે ગામડાના અંતરિયાળ વિસ્તારોમાંથી હજારો લોકો હિજરત કરી રહ્યા છે. કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ગામડાઓને પણ વર્ષો પહેલાં નર્મદાના પાણી આપવાના વચનો દર ચૂંટણી વખતે અપાય છે, જેનું હજી સુધી પાલન થયું નથી.