જેવી રીતે જીવન જીવવા શ્વાસ લેવો જરૂરી છે તેવી જ રીતે શરીરને સ્વસ્થ રાખવા શરીરને જરૂરી તેમજ પૌષ્ટિક આહાર આપવો જરૂરી છે. હાલનાં મોર્ડન વર્લ્ડમાં લોકો દરેક ફેન્સી ફૂડ પ્રોડક્ટ પર ક્રેઝી થયા છે પરંતુ અનેક વાર તેમને જરૂરી પોષણ મળતું નથી. જો બધાં માણસ જાગૃતતાથી દરેક વસ્તુમાં પોષણ શોધે તો નાની મોટી મુશ્કેલીથી બચી શકાય છે. તેમજ રોજિંદા આહારમાં જો દરેક પોષ્ટિક વસ્તુઓ લેવામાં આવે તો કેટલાય રોગો દૂર કરી શકાય છે.
આહાર એટલે કે, આપણા શરીરને ચલાવવા માટેનો આવશ્યક પદાર્થ છે. આહાર બહુ બધી વસ્તુઓથી બને છે. શરીરનાં પોષણ માટે આપણે કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, ફેટ, વિટામિન, અને મિનરલ્સ તમામની આવશ્યકતા પડે છે. તેમજ આ તમામ વસ્તુઓ આપણને જુદી જુદી ખાવાની વસ્તુઓ માંથી મળી રહે છે.
સૌથી પહેલા આપણે શાકભાજીની વાત કરીયે. શાકભાજી દિવસમાં 3 થી 4 વાટકી ખાવી જોઈએ. શાકભાજીમાંથી આપણને ભરપૂર પ્રમાણમાં ફાઈબર, વિટામિન્સ તેમજ મિનરલ્સ મળી રહે છે. એ ઉપરાંત શાકભાજી આપણી પાચન શક્તિ તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે મદદરૂપ બને છે.
જમવામાં રોજ સલાડ કે સૂપ તેમજ કચુંબર વગેરે લેવું જોઈએ. વઘારીને બનાવેલ શાક ખાવા ફાયદાકારક નીવડે છે. ફળમાંથી પણ આપણને કેટલાય વિટામિન્સ તેમજ મિનરલ્સ મળે છે. દિવસમાં 2 થી 3 ફળ ખાવા ફાયદાકારક છે. ફળોમાંથી આપણને ફાઈબર પણ સારા પ્રમાણમાં મળે છે. વજન ઘટાડવા માટે ફળ વધુ લઈ શકાય છે.
ઘઉં, ચોખા, બાજરી, જુવાર વગેરે અનાજ આપણને પૂરતાં પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ્સ આપે છે. શરીરની બેઝિક ઊર્જાની જરૂરિયાત માટે કાર્બોહાઇડ્રેટ્સ જરૂરી છે. આ તમામ અનાજમાંથી આપણને પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ તેમજ ફાઈબર વગેરે મળી રહે છે. દિવસમાં 2 થી 3 વાટકી અનાજ ખાવું આપણા શરીર માટે ફાયદાકારક છે.
દાળ, કઠોળ જેમ કે મગ, મગની દાળ, ચણા, તુવેરદાળ વગેરે શરીરને પ્રોટીનની જરૂરિયાતો પુરી કરવા જરૂરી છે. આમાંથી પણ કાર્બોહાઇડ્રેટ્સ અને વિટામિન્સ મળી રહે છે. સ્નાયુઓ તેમજ હાડકાની સ્વસ્થતા માટે દિવસમાં 2 થી 3 વાટકી દાળ અને કઠોળ ખાવા જરૂરી છે.
કાજુ, બદામ, અંજીર, ખજૂર, અખરોટ એ શરીર માટે બહુ જ ફાયદાકારક છે. રોજ ૧ મુઠ્ઠી સૂકો મેવો ખાવો જરૂરી છે.
દૂધ, દૂધની બનાવટોમાંથી આપણને પ્રોટીન, કેલ્શિયમ જેવી બધી જરૂરી વસ્તુઓ મળે છે. દહીં, પનીર, ચીઝ જેવી વસ્તુઓ આપણા આંતરડાની દેખભાળ કરવા જરૂરી છે. તેનાંથી પાચનક્રિયા સારી રીતે થઇ જાય છે.