વલસાડમાં બ્રેઈનડેડથી મૃત્યુ પામેલ રાજનભાઈ દેસાઈનાં અંગદાનથી એકસાથે 4 લોકોને મળ્યું નવજીવન

હાલમાં વલસાડના બ્રેઈનડેડ રાજનભાઈ ધીરુભાઈ દેસાઈના પરિવારે તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી છે અને સમાજને નવી દિશા બતાવી છે. પરિવાર દ્વારા 2018માં દીકરીની કિડની ખરાબ થયા બાદ ડાયાલીસીસની પીડા જોઈ હોવાથી અંગદાનનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

વલસાડમાં ભૂત ફળિયાં ખાતે રાજનભાઈ ધીરુભાઈ દેસાઈ પરિવાર સાથે રહેતા હતા. તેમજ પુત્રી વિધિ રાજનભાઈ દેસાઈ વલસાડમાં આવેલ નૂતન કેળવણી મંડળમાં લાઇબ્રેરી ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. આ ઉપરાંત રાજનભાઈ વલસાડમાં આવેલ નાઇટ્રેસ કંપનીમાં ક્વોલીટી કંટ્રોલ વિભાગમાં ફરજ બજાવતા હતા. આ દરમિયાન 11 માર્ચના રોજ સવારે 11 વાગ્યે રાજનભાઈ ટીવી જોઈ રહ્યા હતા.

ત્યારે અચાનક તેઓ બેભાન થઇ ગયા અને પરિવારજનોએ તાત્કાલિક વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ડો.સમીર દેસાઈની સારવાર હેઠળ દાખલ કરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરતની INS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નિદાન માટે MRI અને CT સ્કેન કરાવતાં મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું તેમજ બ્રેઈન હેમરેજ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ શનિવાર તા.13 માર્ચના રોજ બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

રાજનભાઈના મિત્ર આસુતોશ દેસાઈ દ્વારા ઑર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશનની રાજ્ય સલાહકાર સમિતિના સભ્ય અને ડોનેટ લાઈફના સ્થાપક પ્રમુખ નિલેશ માંડલેવાખાની ટેલીફોનીક સંપર્ક કરી રાજનભાઈના બ્રેઇનડેડ અંગેની જાણકારી આપવામાં આવી હતી. રાજનભાઈના પત્ની શીતલબેને જણાવ્યું કે, મારી દીકરી વિધિની 2018માં કિડની ખરાબ થઈ ગઈ હતી અને તે ડાયાલીસીસ ઉપર હતી ત્યારે ડાયાલીસીસની પીડા મેં જોઈ હતી. તેથી મેં મારી દીકરીને એક કિડની દાનમાં આપી હતી અને તેનું ટ્રાન્સપ્લાન્ટ 2018માં કરવામાં આવ્યું હતું.

રાજનભાઈના પત્નીએ અંગદન પછી જણાવ્યું હતું કે, આજે જયારે મારા પતિ બ્રેઈનડેડ છે ત્યારે તેમના અંગોના દાન થકી મારી દીકરીની જેમ કોઈપણ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે સંમતિ આપી હતી. પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળ્યા બાદ કિડની અને લિવર અમદાવાદની કિડની હોસ્પિટલને ફાળવવામાં આવી હતી. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના ડૉ.પ્રફુલ શિરોયા દ્વારા સ્વીકારવામાં આવ્યુ હતું.

દાનમાં મેળવવામાં આવેલ બંને કિડનીમાંથી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ મહેસાણાના રહેવાસી 32 વર્ષના યુવકમાં અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ તારાપુરના રહેવાસી 47 વર્ષના વ્યક્તિમાં અમદાવાદની કિડની હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું. દાનમાં મેળવવામાં આવેલ બીજી કિડની ખરાબ હોવાને કારણે તેનું ટ્રાન્સપ્લાન્ટ થઈ શક્યું નથી.

આ ઉપરાંત સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈ દ્વારા 382 કિડની, 156 લિવર, 8 પેન્ક્રીઆસ, 31 હૃદય, 12 ફેફસાં અને 284 ચક્ષુઓ કુલ 871 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 800 વ્યક્તિઓને નવું જીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *