સુરત(Surat): શહેરમાં અકસ્માત (Accident in Surat)ના બનાવો અવારનવાર સામે આવતા રહે છે. ત્યારે બે દિવસ પહેલાં જ પાલ હજીરા રોડ (Pal Hazira Road) પર અકસ્માતની દર્દનાક ઘટના બની હતી. ત્યારે આજે ફરી એક વાર આજ માર્ગ પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સુરત ભારતીય જનતા પાર્ટી (BJP) વોર્ડ નંબર-9ના સિનિયર કાર્યકરનાં સંતાનો 14 વર્ષનો ભવ્ય અને તેની બહેન તેના મામીનો જન્મદિન ઊજવવા માટે ગયા હતા અને ઉજવણી કરીને પાછા ફરી રહ્યાં હતાં. આ સમય દરમિયાન બહેન મોપેડ ચલાવતી હતી અને ભવ્ય તેની પાછળ બેઠો હતો. આ દરમિયાન કાળમુખા ડમ્પરની અડફેટે આવી જતાં ભવ્યનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
ડમ્પરની અડફેટે કચડાયો કિશોર:
મહત્વનું છે કે, આ અકસ્માતમાં ડમ્પરચાલકે તેમના મોપેડને જોરદાર ટક્કર મારી હતી જેને લઇ ભાઈ-બહેન રોડ પર પટકાયાં હતાં અને 14 વર્ષના ભવ્ય પટેલ પરથી ડમ્પર ફરી વળતા કચડાઈને કરુણ મોત થયું હતું, જ્યારે તેની બહેનને ઇજા પહોંચતાં સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ડમ્પરની અડફેટે મોપેડ આવી આવી ગયા પછી ભવ્ય પટેલ ડમ્પરની નીચે કચડાઈ ગયો હોવાનું ખબર પડતાં ડમ્પરચાલક ત્યાંથી ભાગી ગયો હતો.
અકસ્માત મામલે તપાસ શરૂ:
મળતી માહિતી અનુસાર, સ્થાનિક લોકો દ્વારા અકસ્માતના બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. અકસ્માત થયો હોવાની જાણ પોલીસને થતાં પોલીસકાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર બનાવને પગલે આજુબાજુથી લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા, જેને પોલીસ દ્વારા દૂર કર્યો હતો. પોલીસ દ્વારા અકસ્માત મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી.
મૃત દીકરાના પિતા ભાજપના કાર્યકર્તા:
પોલીસ-તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, અકસ્માતમાં ભોગ બનેલ ભવ્ય પટેલ અને તેની બહેનના પિતાનું નામ ભરતભાઈ પટેલ છે. ભરતભાઈ પટેલ વોર્ડ નંબર-9ના ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ વર્ષોથી સિનિયર કાર્યકર્તા રહ્યા છે અને સમાજસેવાનાં કાર્યો પણ કરે છે. ભરતભાઈ પટેલ વ્યવસાયે બિલ્ડર હોવાનું પણ જાણવા મળ્યું છે અને જહાંગીરપુરા ખાતે આવેલા કુરુક્ષેત્ર સ્મશાનભૂમિના હાલ ટ્રસ્ટી પણ છે.
પરિવારનું હૈયાફાટ રુદન:
ઉલ્લેખનીય છે કે, સુરતના પાલ હજીરા રોડ પર ભવ્ય પટેલ અને તેની બેન સાથે અકસ્માત થયો હોવાની જાણ પરિવારને થતાં પરિવારના સભ્યો પણ તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાસ્થળ પર સ્થિતિ જોતાં પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. સમગ્ર બનાવને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ ઘટનાને પગલે પોલીસ દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામનાર 14 વર્ષના ભવ્ય પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે પોલીસે ડમ્પર કબજે લઇ અકસ્માત મોતનો ગુનો નોંધી ફરાર ડમ્પરચાલકને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.