માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: સુરતમાં 2 વર્ષની બાળકીનું રમત-રમત ડીઝલ પીતાં મોત

Surat News: માતા-પિતાને સાવચેત કરતી વધુ એક ઘટના સુરતથી સામે આવી છે. સુરતનો બનાવ દરેક વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે. જ્યાં દોઢ વર્ષની બાળકીનું પાણીના બદલે ડીઝલ પી જતાં મોત નીપજ્યું છે. 12 દિવસની સારવાર બાદ બાળકીનું મોત (Surat News) થયું છે. જોકે, મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બહાર આવશે. બાળકીના સગાના કહેવા પ્રમાણે બાળકી રમતાં રમતાં પાણીને બદલે ડીઝલ પી ગઈ હતી, જે બાદ તેને હોસ્પિટલ ખસેડાઈ હતી. સ્મીમેર હોસ્પિટલમાં બાળકીને ખસેડાઈ હતી.

રમતા રમતા ડીઝલ પીધું
નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી વધુ માહિતી મુજબ મૂળ બિહારના વતની ખાલિક શેખ હાલ વરાછા ભવાની સર્કલ પાસે વરણી સ્ટાર નામથી નવનિર્મિત ડાયમંડ કંપનીમાં રહેતો હતો અને ત્યાં જ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.ગઈ તા. 12મી સપ્ટેમ્બરની સાંજે તેની એકની એક પુત્રી સાકેબા ઘરની બહાર રહી હતી.

તે સમયે રમતાં-રમતાં તેણીએ રૂમની બહાર લાકડા સળગગાવા માટે પાણીની બોટલમાં મૂકેલું ડીઝલ પી લીધું હતું. દરમિયાન પાડોશીની નજર સાકેબા ઉપર પડી હતી. જેથી તેઓ દોડી આવીને તેણીના હાથમાંથી ડીઝલની બોટલ લઈ લીધી હતી અને 108 એમ્બ્યૂલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સોમવારે સવારે તેણીનું મોત નિપજ્યું હતું.

પરિવાર શોકમાં ગરકાવ
દીકરી ગુમાવવાના કારણે તેના પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયો છે. તેમજ તેના પિતાએ જણાવ્યું કે આજે અમારી એક ભૂલના કારણે આજે મારે દીકરી ખોવાનો વારો આવ્યો છે. ત્યારે લોકોએ પણ સાવચેતી રાખવી જોઇએ. અને આવી જોખમી વસ્તું નાના બાળકોના હાથમાં ના આવે તેવી રીતે મુકવી જોઇએ.

નોંધનીય છે કે, આવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે, જ્યાં ઘરમાં રમતાં-રમતાં બાળકે કોઇ વસ્તુ મોઢામાં નાંખી દીધી હોય અથવા કોઇ વસ્તુ ગટગટાવી લીધી હોય. આવી ઘટનાઓ વાલીઓ માટે લાલબત્તી સમાન છે. આવામાં માતા-પિતાએ ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે.